Sports

BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના સવાલો બાદ BCCIએ મુંબઈમાં 95મી AGMમાં સ્પષ્ટતા કરી. બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, BCCI સરકારી ગ્રાન્ટ પર નિર્ભર નથી, પરંતુ દર વર્ષે સરેરાશ ₹3,000 કરોડનો આવકવેરો ચૂકવે છે. બોર્ડ 2025ના 'નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ' હેઠળ ક્રિકેટને 'ડેઝિગ્નેટેડ સ્પોર્ટ' તરીકે સૂચિત કરવા સરકારના નોટિફિકેશનની રાહ જોઈ રહ્યું છે. 27 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં આ અંગે અંતિમ જવાબ અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો

BCCI Awaits Sports Act Notification: સુપ્રીમ કોર્ટ દ્વારા 'નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ'ના દાયરામાંથી બીસીસીઆઈને બહાર રાખવા મુદ્દે કરાયેલા સવાલો બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાની નાણાકીય સ્વાયત્તતા અને તાકાત સામે રાખી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સંકુલમાં યોજાયેલી BCCIની 95મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બાદ બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ સત્તાવાર રીતે જણાવ્યું કે BCCI કોઈપણ સરકારી ગ્રાન્ટ કે સહાય પર નિર્ભર નથી, પરંતુ દર વર્ષે સરેરાશ ₹3,000 કરોડનો આવકવેરો ચૂકવીને સરકારી તિજોરીમાં મોટું યોગદાન આપે છે. એજીએમમાં આ આંકડા રજૂ થતાં તમામ સભ્યોએ તેને તાળીઓથી વધાવી લીધો હતો.

સુપ્રીમ કોર્ટે પૂછ્યા હતા આકરા સવાલ

સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન BCCI અને તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનો સામે સવાલ ઉઠાવ્યો હતો કે તેમને વર્ષ 2025માં પસાર થયેલા નવા 'નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ'ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ? સર્વોચ્ચ અદાલતે એવો પ્રશ્ન પણ કર્યો હતો કે ક્રિકેટ સંસ્થાઓના હોદ્દેદારોની સેવાની શરતો અને કાર્યકાળ નવા કાયદા હેઠળ કેમ શામેલ ન હોવા જોઈએ?

નોટિફિકેશન વિના કાયદો લાગુ ન થઈ શકે: બોર્ડનું વલણ

આ મામલે બોર્ડનું વલણ સ્પષ્ટ કરતાં દેવજીત સૈકિયાએ ખુલાસો કર્યો હતો કે BCCI કાયદા કે નિયમોથી બચવાનો કોઈ પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે નવા સ્પોર્ટ્સ એક્ટ હેઠળ ક્રિકેટને હજુ સુધી સરકાર દ્વારા 'ડેઝિગ્નેટેડ સ્પોર્ટ' તરીકે સૂચિત કરવામાં આવ્યું નથી. સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવાની જવાબદારી સંબંધિત ઓથોરિટીની છે, અને સરકાર જેવું નોટિફિકેશન જારી કરશે કે તરત જ બોર્ડ તે નિયમો મુજબ તમામ યોગ્ય પગલાં ભરશે.

27 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં આપશે અંતિમ જવાબ

બોર્ડ સેક્રેટરીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ સમગ્ર મુદ્દે BCCI પોતાનું વિગતવાર સ્પષ્ટીકરણ આગામી 27 ઓક્ટોબરે રજૂ કરશે, જ્યારે આ મામલાની આગામી સુનાવણી અદાલતમાં લિસ્ટ થશે. હાલ પૂરતો સમગ્ર મામલો નવા સ્પોર્ટ્સ એક્ટના સીધા અમલ કરતાં વધારે સરકારી નોટિફિકેશન અને નિયત પ્રક્રિયા પર ટકેલો છે.