USમાં ભારતના ગુકેશનું અપમાન: જીત બાદ હિકારુ નાકામુરાનું અસભ્ય વર્તન, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ
(PHOTO - IANS) |
D Gukesh News: યુએસએએ ભારત સામે ચેસની 'ચેકમેટ ઇવેન્ટ'માં 5-0થી શાનદાર જીત મેળવી. આ જીતમાં ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, અમેરિકાના આર્લિંગ્ટનમાં રમાયેલી આ પહેલી ઇવેન્ટમાં જાપાનમાં જન્મેલા આ અમેરિકન ખેલાડીએ જીતની ઉજવણી જે રીતે કરી, તેનાથી એક મોટો વિવાદ ઊભો થયો છે.
નાકામુરાએ ડી. ગુકેશને હરાવ્યા પછી તેમનો 'કિંગ' ઉઠાવીને દર્શકો તરફ ફેંકી દીધો. તેમની આ હરકત પર સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ થઈ ગઈ છે. ઘણા લોકોએ તેને અપમાનજનક ગણાવ્યું, જ્યારે કેટલાક લોકોએ તેને તેમના જશ્નનો એક ભાગ ગણાવ્યો. નાકામુરાના આ પગલાનો વીડિયો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
હિકારુ નાકામુરાએ ડી. ગુકેશનો 'કિંગ' ફેંક્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ ગુકેશનો 'કિંગ' દર્શકો તરફ ફેંક્યો, ત્યારે ગુકેશ મેચ પૂરી થયા પછી ચેસના મોહરાને પાછા પોતાની જગ્યાએ ગોઠવતા જોવા મળ્યા, જેના માટે તેમને દુનિયાભરના લોકો તરફથી સન્માન મળી રહ્યું છે. ડી. ગુકેશ પર જીત મેળવ્યા બાદ નાકામુરાએ કહ્યું હતું કે, 'હું જીતી રહ્યો હતો, દર્શકો પણ આ વાત જાણતા હતા, તેથી જ્યારે શોર થયો ત્યારે હું ખૂબ ખુશ હતો!'
મેચમાં ઘણી તણાવપૂર્ણ ક્ષણો જોવા મળી હતી અને બંને ટીમના ખેલાડીઓ પાસે જીતની તકો હતી, પરંતુ યુએસએએ અંતિમ ક્ષણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તમામ મુકાબલા પોતાના નામે કર્યા.
આ પણ વાંચો: હવે ટીમ ઈન્ડિયાના ધૂરંધર ખેલાડીને કેપ્ટન બનવાની ઇચ્છા જાગી, કહ્યું - 'એક દિવસ હું પણ...'
ભારતના 5 ખેલાડીઓને મળી હાર
ચેકમેટ ઇવેન્ટમાં અમેરિકાની ટીમે ભારત સામે 5-0થી જીત હાંસલ કરી. ગુકેશ-નાકામુરાની મેચ પહેલાં, ભારતના ગ્રાન્ડમાસ્ટર અર્જુન ઇરિગૈસીને ફાબિયાનો કારુઆના સામે, દિવ્યા દેશમુખને કારિસા યિપ સામે, સાગર શાહને લેવી રોજમેન સામે અને ઈથન વાઝને તાની આદેવુમી સામે હાર મળી હતી.