લોર્ડસ ટેસ્ટમાં જાડેજા હીરો કે વિલન? ગાવસ્કર અને કુંબલેના નિવેદને ચર્ચા છંછેડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
IND vs ENG: રવીન્દ્ર જાડેજાએ લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે ઈંગ્લેન્ડ સામે 193 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતને મેચમાં બનાવી રાખવા માટે લડાયક ઈનિંગ રમી. જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને બ્રાયડન કાર્સની ઘાતક ફાસ્ટ બોલિંગ સામે ભારતની ટોપ અને મીડલ ઓર્ડરની બેટિંગ વિખેરાઈ ગઈ હતી. એક સમયે ટીમનો સ્કોર 7 વિકેટ પર 82 અને પછી 18 વિકેટ પર 112 હતો. ત્યારે એવું લાગ્યુ હતું કે ઈંગ્લેન્ડ સવારના સેશનમાં જ મેચ પૂર્ણ કરશે અને લોર્ડ્સમાં શાંતિથી લંચ કરશે. પરંતુ જાડેજાએ મોર્ચો સંભાળ્યો અને હાર માનવાનો ઈનકાર કરી દીધો.
રવિન્દ્ર જાડેજા અને ભારતના નંબર 10 અને 11 - જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજના લડાયક પ્રયાસોના કારણે એકતરફી હાર જીત તરફ આગળ વધી રહી હતી. છેલ્લી બે વિકેટની ભાગીદારી 212 બોલની રહી હતી. જોકે, ભારત લક્ષ્યથી 22 રનથી દૂર રહી ગયું. જાડેજાએ બુમરાહ અને સિરાજ સાથે 58 રન ઉમેર્યા અને 181 બોલમાં 61 રન બનાવી અણનમ રહ્યો.
જાડેજાએ સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને ઈંગ્લેન્ડને કોઈ તક ન આપી. ચેન્નાઈ સુપર કિંગ્સના આ ઓલરાઉન્ડરે 48મી ઓવરમાં ક્રિસ વોક્સના બોલ પર છગ્ગો ફટકારીને પોતાનો ઈરાદો દર્શાવ્યો, પરંતુ તે પછી ભારતે 107 બોલ સુધી કોઈ બાઉન્ડ્રી ન લગાવી. જાડેજાએ ક્રિસ વોક્સ, શોએબ બશીર અને જો રૂટ જેવા બોલરો સામે પણ જોખમ ન લીધું, જેમના બોલને વિકેટથી વધુ મદદ નહોતી મળી રહી, જેવી કે સ્ટોક્સ, આર્ચર અથવા કાર્સને મળી રહી હતી.
શું થોડો વધુ જોખમ લેવાની જરૂર હતી?
હવે આ મેચ અંગે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ કહ્યું કે, 'જાડેજાએ ખાસ કરીને વોક્સ અને સ્પિનરો સામે થોડું વધુ જોખમ લેવાની જરૂર હતી, જેનાથી ભારત લક્ષ્યની વધુ નજીક પહોંચી શક્યું હોત. જાડેજાએ રૂટ, બશીર અને વોક્સ સામે જોખમ લેવાનું હતું. હું જાણું છું કે રૂટ-બશીર ઓફ સ્પિનર છે જે બોલને બહાર લઈ રહ્યા હતા, પરંતુ બોલ વધુ ટર્ન નહોતો થઈ રહ્યો. તેથી સ્પિન કે આઉટસાઈડને લઈને વધુ ચિંતાની વાત નહોતી. જાડેજાએ વધુ કઠિન પિચો પર અને વધુ સારા બોલરો સામે રમી ચૂક્યો છે. તેણે એક કે બે તક લેવી જોઈતી હતી.'
કુંબલેએ આગળ કહ્યું કે, તમારે આવા જોખમ લેવા જ પડે છે. હાં કેટલાક સિંગલ-ડબલ તેણે સારી રીતે ન લીધા કારણ કે, બુમરાહ અને સિરાજ ક્રીઝ પર હતા, પરંતુ તેણે થોડો વધુ ચાન્સ લેવાની જરૂર હતી.
ગાવસ્કર અને ગિલે જાડેજાની વ્યૂહનીતિનો બચાવ કર્યો
જાડેજાની ઈનિંગ અંગે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે, પરંતુ બેટિંગ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે જાડેજાની વ્યૂહનીતિનો બચાવ કર્યો અને કહ્યું કે. 'જાડેજા તે પરિસ્થિતિમાં કંઈ ખાસ કરી પણ નહોતો શકતો. મને લાગે છે કે પરિસ્થિતિ દ્વારા નક્કી થઈ રહ્યું હતું કે તે નીચલા ક્રમના બેટ્સમેન સાથે રમી રહ્યો હતો. તે શક્ય તેટલી સ્ટ્રાઈક પોતાની પાસે રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે તમે આવી પિચ પર હવામાં શોટ રમવાનું ટાળો છો. ભારતીય ટીમ સામાન્ય રીતે રમતને ઊંડાણમાં લઈ જવાનું પસંદ કરે છે. આ જ તેનો ઉદ્દેશ્ય હતો.'
બીજી તરફ શુભમન ગિલે જાડેજાની વ્યૂહનીતિનું સમર્થન કરતા કહ્યું કે, ભારત નાની-નાની પાર્ટનરશિપ દ્વારા ધીમે-ધીમે ઈંગ્લેન્ડ પર દબાણ બનાવવા માગતું હતું. ભારતની બીજી યોજના બીજા નવા બોલની રાહ જોવાની હતી, જે માત્ર 5.1 ઓવર દૂર હતો.
જોકે, ટીમ ઈન્ડિયા 22 રનથી મેચ હારી ગઈ. ઈંગ્લેન્ડે સીરિઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે અને ભારત હવે 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી ચોથી ટેસ્ટમાં વાપસી કરવાની આશા રાખશે.








