Get The App

મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે કેપ્ટન હાર્દિક પંડ્યા? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી અટકળો તેજ

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
Hardik Pandya Mumbai Indians
(IMAGE - IANS)

Hardik Pandya Mumbai Indians: IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે રવિવારનો દિવસ બેવડો ઝટકો લઈને આવ્યો. એકતરફ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ, તો બીજી તરફ કેપ્ટન હાર્દિક પંડ્યાના એક સોશિયલ મીડિયા મૂવને કારણે ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાંથી બહાર અને હાર્દિક પંડ્યાનો 'અનફોલો' વિવાદ

રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેના રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સનો 2 વિકેટે પરાજય થયો હતો. આ હાર સાથે જ મુંબઈની ટીમ પ્લેઓફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગઈ છે. જોકે, ટીમની હાર કરતા વધુ ચર્ચા કેપ્ટન હાર્દિક પંડ્યાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની થઈ રહી છે. મેચ પૂરી થયાના થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર એવા સ્ક્રીનશોટ વાઇરલ થયા કે હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર એકાઉન્ટને 'અનફોલો' કરી દીધું છે. તેની ફોલોઈંગ લિસ્ટ 151થી ઘટીને 150 થઈ ગઈ હતી, જેનાથી બંને વચ્ચે અણબનાવની અફવાઓ તેજ બની હતી.

થોડી જ મિનિટોમાં હાર્દિક પંડ્યાએ ફરી મુંબઈ ઈન્ડિયન્સને ફોલો કર્યું

હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના ખરાબ સંબંધોની અટકળો વધુ લાંબો સમય ટકી શકી નહીં. આશ્ચર્યજનક રીતે, થોડી જ મિનિટો બાદ હાર્દિકની ફોલોઈંગ લિસ્ટ ફરીથી 151 થઈ ગઈ અને મુંબઈ ઈન્ડિયન્સનું નામ ફરી દેખાવા લાગ્યું. હવે ચાહકો એ મૂંઝવણમાં છે કે શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી હાર્દિકે નારાજગીમાં ઉતાવળિયું પગલું ભરીને નિર્ણય બદલી નાખ્યો. અત્યાર સુધી આ મામલે હાર્દિક કે ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

કેપ્ટન્સી વિવાદ અને હાર્દિક પંડ્યાનું નબળું પ્રદર્શન

જ્યારથી રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ત્યારથી તે સતત વિવાદો અને ચાહકોના રોષનો સામનો કરી રહ્યો છે. IPL 2026 તેના અને ટીમ બંને માટે નિરાશાજનક રહ્યું છે. હાર્દિકે આ સીઝનમાં અત્યાર સુધી 8 મેચમાં માત્ર 146 રન બનાવ્યા છે અને 4 વિકેટ ઝડપી છે. ફિટનેસની સમસ્યાને કારણે તે ત્રણ મેચ રમી શક્યો નહોતો. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી.

આ પણ વાંચો: CSK vs LSG: 8 છગ્ગા, 2 ચોગ્ગા..IPLમાં ઉર્વિલ પટેલનું તોફાન, 13 બોલમાં ફટકારી ફિફ્ટી

ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ વચ્ચે ખટાશની અટકળો

મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન અને પ્લેઓફમાંથી બહાર થવાના કારણે આંતરિક જૂથબંધીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને હાર્દિક પંડ્યાની ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીએ આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. જોકે હાર્દિકે ફરીથી ટીમને ફોલો કરી લીધી છે, પરંતુ આ ઘટનાએ ઈન્ટરનેટ પર નવી ચર્ચા જગાવી છે કે શું આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના નેતૃત્વમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે? હાલ પૂરતું તો આ ઘટના માત્ર સોશિયલ મીડિયાની અટકળો બનીને રહી ગઈ છે.