Get The App

હાર, હતાશા અને ગુસ્સો.... હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
Hardik Pandya IPL code of conduct
(IMAGE - IANS)

Hardik Pandya IPL code of conduct: મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા એકવાર ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે ચર્ચા તેના કોઈ શાનદાર પ્રદર્શનના કારણે નહીં પણ મેદાન પર દેખાડેલી નારાજગીના કારણે થઈ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં અમ્પાયરના નિર્ણય અથવા પોતાના પ્રદર્શનથી નારાજ દેખાયેલા હાર્દિક પંડ્યા પર  IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ મેચ ફીના 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ તેમના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરી દેવામાં આવ્યો છે.

આખરે મેદાન પર શું બન્યું હતું?

આ સમગ્ર ઘટના બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન બની હતી, જ્યાં મુંબઈ ઇન્ડિયન્સને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન હાર્દિક પંડ્યા પોતાની બોલિંગમાં યોગ્ય લય પકડી શકતો નહોતો અને રન રોકવામાં નિષ્ફળ જઈ રહ્યો હતો. આ જ નિરાશા અને ગુસ્સામાં જ્યારે તે પોતાના રન-અપ તરફ પાછા ફરી રહ્યો હતો, ત્યારે તેણે વિકેટ પર લાગેલી બેલ્સને જોરથી નીચે પાડી દીધી હતી. હાર્દિકની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન

IPL દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યાએ IPL કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.2નું ઉલ્લંઘન કર્યું છે. આ નિયમ મેચ દરમિયાન ક્રિકેટના સાધનો, કપડાં, ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ અથવા અન્ય ફિટિંગ્સના દુરુપયોગ સાથે જોડાયેલો છે. હાર્દિકની આ ભૂલને લેવલ-1નો અપરાધ માનવામાં આવ્યો છે. જોકે, હાર્દિક પંડ્યાએ પોતે કરેલી આ ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો છે, જેના કારણે આ મામલે આગળ કોઈ સુનાવણીની જરૂર પડી નથી.

આ પણ વાંચો: પાકિસ્તાની સ્ટાર બોલર મોહમ્મદ આમિરનો IPLમાં એન્ટ્રીનો માર્ગ મોકળો, જાણો કેવી રીતે

મુંબઈ ઇન્ડિયન્સ માટે મુશ્કેલ સમય

જો મેચની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર 147 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે માત્ર 4 વિકેટ ગુમાવીને 7 બોલ બાકી હતા ત્યારે જ આ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગમાં માત્ર બે ઓવર નાખી હતી, જેમાં તેણે 13 રન આપ્યા પરંતુ તે એકપણ વિકેટ લેવામાં સફળ રહ્યો નહોતો. આ હાર સાથે મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ચૂકી છે, જ્યારે કેકેઆરે આ જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા વધુ મજબૂત કરી લીધી છે.

IPLમાં ખેલાડીઓ મેદાન પર શિસ્ત જાળવી રાખે તે માટે વહીવટીતંત્ર સતત કડક વલણ અપનાવી રહ્યું છે. અગાઉ પણ મેદાન પર આક્રમક વર્તન કે સાધનોને નુકસાન પહોંચાડવા બદલ કેટલાય ખેલાડીઓને દંડ આપવામાં આવ્યો છે અને હાર્દિક પંડ્યા પર લાગેલો આ દંડ પણ તે જ કડક શિસ્તના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.