Mohammad Amir IPL Entry : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે પાકિસ્તાની ખેલાડીઓ પર આઈપીએલમાં પ્રતિબંધ હોવા છતાં, આમિર આગામી સીઝનની હરાજી (IPL 2027 Auction) માં સામેલ થઈ શકે છે.
કેવી રીતે ખૂલ્યો આમિર માટે આઈપીએલનો રસ્તો?
નિયમ મુજબ, બીસીસીઆઈ (BCCI) પાકિસ્તાની ક્રિકેટરોને આઈપીએલમાં રમવાની મંજૂરી આપતી નથી. જો કે, મોહમ્મદ આમિરને હવે સત્તાવાર રીતે બ્રિટિશ નાગરિકતા (British Citizenship) મળી ગઈ છે. આમિરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ રીપોસ્ટ કરીને પોતાના નેશનાલિટી સ્ટેટસમાં થયેલા આ ફેરફારની પુષ્ટિ કરી છે. તેની પત્ની નરગિસ ખાન બ્રિટિશ નાગરિક હોવાથી આમિર યુકે (UK) ના પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં હતો, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. બ્રિટિશ નાગરિક બન્યા બાદ હવે આમિર 'બ્રિટિશ ઓવરસીઝ પ્લેયર' તરીકે આઈપીએલ હરાજીમાં પોતાનું નામ નોંધાવવા માટે સંપૂર્ણ લાયક (Eligible) બની ગયો છે.
આ પૂર્વે પાકિસ્તાની ચેટ શો ‘હારના મના હૈ’ માં પણ આમિરે આ અંગે સંકેત આપતા કહ્યું હતું કે, "જો મને બ્રિટિશ પાસપોર્ટ મળી જશે, તો આગામી વર્ષ સુધી મને આઈપીએલમાં રમવાની તક મળી શકે છે, અને જો તક મળશે તો કેમ નહીં? હું ચોક્કસ આઈપીએલમાં રમીશ."
બે વાર નિવૃત્તિ અને શાનદાર કરિયર
34 વર્ષીય મોહમ્મદ આમિર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બે વાર નિવૃત્તિ લઈ ચૂક્યો છે. 2024 ના ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે તેણે નિવૃત્તિ પાછી ખેંચી હતી, પરંતુ પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જતાં તેણે ફરીથી સંન્યાસ લઈ લીધો હતો. આમિરે પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 વનડે અને 62 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી પણ તેને વર્લ્ડનો બેસ્ટ બોલર ગણાવી ચૂક્યો છે જેનો સામનો કરવામાં તેને પણ તકલીફ પડતી હતી.
મેગા ઓક્શનમાં ટીમો કેમ લગાવશે દાવ?
આઈપીએલની તમામ ફ્રેન્ચાઇઝીઓ હંમેશા એવા ડાબા હાથના ફાસ્ટ બોલરની શોધમાં હોય છે જે નવી બોલને સ્વીંગ કરાવી શકે અને ડેથ ઓવર્સમાં રન રોકી શકે. આમિર વિશ્વભરની ટી20 લીગ (ILT20, CPL, BPL) નો જાણીતો ચહેરો છે. જો તે આગામી વર્ષે બ્રિટિશ નાગરિક તરીકે ઓક્શન પૂલમાં સામેલ થશે, તો અઝહર મહમૂદ (જેઓ બ્રિટિશ નાગરિક તરીકે આઈપીએલ રમ્યા હતા) બાદ તે આઈપીએલ રમનારો બીજો પાકિસ્તાની મૂળનો ખેલાડી બનશે.


