એશિયા કપમાં હાર્દિક પંડ્યાના રમવા પર સસ્પેન્સ! આપવો પડશે ફિટનેસ ટેસ્ટ, આ ખેલાડીની એન્ટ્રી પાક્કી
Asia Cup 2025: એશિયા કપ 2025 ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ધરતી પર રમાશે. આ વખતે એશિયા કપ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના બે શહેરો દુબઈ અને અબુ ધાબીમાં યોજાવાનો છે. આ ટુર્નામેન્ટમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે, જેના પર બધાની નજર છે.
સૂર્યકુમાર યાદવને સંપૂર્ણ ફિટ થવામાં હજુ પણ સમય
એશિયા કપ 2025 પહેલા ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે. T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે બેંગલુરુમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં રિહેબ કરી રહ્યો છે. સૂર્યકુમાર યાદવને સંપૂર્ણ રીતે ફિટ થવામાં હજુ પણ એકાદ અઠવાડિયું લાગી શકે છે. સૂર્યકુમારની જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી થઈ હતી. જેના કારણે તે ક્રિકેટથી દૂર છે.
હાર્દિક પંડ્યાની ફિટનેસ ટેસ્ટને લઈને સવાલો
તો, અહીં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચ્યો છે. TOI ના રિપોર્ટ પ્રમાણે હાર્દિકનો ફિટનેસ ટેસ્ટ 11 અને 12 ઓગસ્ટના રોજ યોજાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના અંત પછી હાર્દિક પંડ્યા ક્રિકેટથી દૂર હતો. જોકે તેણે એક મહિના પહેલા ટ્રેનિંગ શરૂ કરી હતી. હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'NCA ની નાની ટ્રિપ.'
શ્રેયસ ઐયરની વાપસી પુષ્ટિ
સ્ટાર બેટર શ્રેયસ ઐયર એશિયા કપ માટે ભારતીય T20 ટીમમાં વાપસી કરે તેવી શક્યતા છે. શ્રેયસ ઐયરે 27 થી 29 જુલાઈ દરમિયાન ફિટનેસ ટેસ્ટ પાસ કરાવી ચૂક્યો છે. શ્રેયસ ઐયરે ડિસેમ્બર 2023 પછી કોઈ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, પરંતુ ભારતીય પસંદગીકારો તેમના અનુભવ અને ક્લાસને ધ્યાનમાં રાખીને તેને T20 ટીમમાં સામેલ કરી શકે છે. ઘરેલું ક્રિકેટ અને IPLમાં સતત સારુ પ્રદર્શન કરવાના કારણે શ્રેયસ ઐયરનો દાવો મજબૂત લાગી રહ્યો છે.
એશિયા કપ 2025 માં કુલ આઠ ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ માટે હાર્દિક પંડ્યાની હાજરી ખૂબ જ મહત્ત્વની રહેશે. હાર્દિક તેની આક્રમક બેટિંગ, ધારદાર સીમ બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતો છે. તેની ફિટનેસ પર નજીકથી નજર રાખવામાં આવશે, કારણ કે ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને ત્રણેય વિભાગોમાં પોતાનું 100 ટકા આપવાની અપેક્ષા રાખે છે.