VIDEO: ભજ્જી-શ્રીસંતના 'થપ્પડ કાંડ' નો 17 વર્ષ બાદ વીડિયો સામે આવ્યો, ફેન્સ પણ ચોંક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Harbhajan Singh-Sreesanth Slap Incident: IPLના ઈતિહાસના સૌથી મોટો કોઈ વિવાદ હોય તો તે છે હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચેનો 'થપ્પડ કાંડ. આ ઘટના IPLની પહેલી સિઝન દરમિયાન બની હતી જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને મોહાલીના મેદાન પર પંજાબ કિંગ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 25મી એપ્રિલ 2008ના રોજ યોજાયેલી આ મેચમાં હરભજન સિંહ મુંબઈનો કેપ્ટન હતો. પંજાબે તેમને 66 રનથી હરાવ્યું હતું. મેચ પૂર્ણ થયાના થોડા સમય પછી કેમેરા સામે શ્રીસંત રડતો જોવા મળ્યો. ત્યાર પછી ખબર પડી કે હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી હતી. જો કે, અનેક લોકોએ આ થપ્પડનો વીડિયો જોયો ન હતો. હવે 17 વર્ષ પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ છે.
વાઈરલ વીડિયોમાં શું છે...
અહેવાલો અનુસાર, હરભજન સિંહના થપ્પડ મારવાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મેચ પૂરી થયા પછી બંને ટીમોના ખેલાડી હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે હરભજન સિંહ શ્રીસંતને થપ્પડ મારે છે. આ થપ્પડ મારવાની ઘટના બાદ હરભજન સિંહ પર આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેના પર 5 ODI મેચનો પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભજ્જીએ ઘણી વાર આ ભૂલ સ્વીકારી
પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ઘણી વાર પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ શ્રીસંતની પુત્રી દ્વારા કહેવામાં આવેલી એક વાત હજુ પણ હરભજન સિંહ ભૂલ્યો નથી. શ્રીસંતની પુત્રીએ હરભજન સિંહને કહ્યું હતું કે, 'હું તમારી સાથે વાત કરવા માંગતી નથી, તમે મારા પિતાને માર્યું હતું.' ભજ્જી માને છે કે શ્રીસંતની પુત્રીની નજરમાં તે ખરાબ વ્યક્તિ છે અને આ છબી સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે.
મેં 200 વાર માફી માંગી: હરભજન સિંહ
એક ઈન્ટરવ્યૂમાં હરભજન સિંહે કહ્યું કે, 'હું મારા જીવનમાં એક બાબત બદલવા માંગુ છું તે છે શ્રીસંત સાથે બનેલી ઘટના. હું મારી કારકિર્દીમાંથી તે ઘટનાને દૂર કરવા માંગુ છું. તે ખોટું હતું અને મેં જે કર્યું તે મારે કરવું જોઈતું ન હતું. મેં 200 વાર માફી માંગી. મને સૌથી ખરાબ વાત એ લાગી કે તે ઘટનાના વર્ષો પછી પણ હું દરેક પ્રસંગે કે પ્લેટફોર્મ પર માફી માંગી રહ્યો છું.'









