‘100 ટકા ગેરંટી નહીં...', એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ પર UAE ક્રિકેટ બોર્ડનું ચોંકાવનારું નિવેદન
Asia Cup 2025 : યુએઈના આબુધાબી અને દુબઈમાં 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ-2025 શરૂ થવાનો છે. જોકે તે પહેલા ભારત-પાકિસ્તાનની મેચને લઈને યુએઈ ક્રિકેટ બોર્ડે (Emirates Cricket Board) એક ચોંકાવનારું નિવેદન જાહેર કર્યું છે. બંને દેશો વચ્ચે 14 સપ્ટેમ્બરે મેચ રમાવાની છે. બંને વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ શકે છે. આ માટે બંનેએ ફાઈનલમાં પહોંચવું જરૂરી છે.
ભારત-પાકિસ્તાન મેચ અંગે યુએઈનું ચોંકાવનારું નિવેદન
આ મેચોની ગેરંટી અંગે સવાલ ઉઠતા, યુએઈ ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેશનલ ઓફિસર સુભાન અહમદે કહ્યું કે, ‘ટુર્નામેન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ ટીમોના ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પોત-પોતાની સરકારની મંજૂરી લઈ લીધી છે. તેમ છતાં અમે 100 ટકા ગેરેન્ટી ન આપી શકીએ. અમને આશા છે કે, ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમશે. અમને ભારત-પાકિસ્તાનની મેચનો બહિષ્કાર કરવા માટે કોઈપણ પ્રકારની ધમકી મળી નથી. ક્રિકેટ ચાહકો અમને ક્રિકેટ અને રાજકારણથી અલગ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે.’
આ પણ વાંચો : મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ
ત્રણ મહામુકાબલાની શક્યતા
ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ લીગ સ્ટેજમાં 14 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ જો બંને ટીમો સુપર-4 રાઉન્ડમાં પહોંચશે, તો તેઓ 21 સપ્ટેમ્બરે ફરી સામસામે ટકરાશે. જો આ બંને ટીમો ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ થશે, તો 28 સપ્ટેમ્બરે બંને વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે.
આ પણ વાંચો : VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા