'શરમ આવવી જોઇએ...' થપ્પડ કાંડનો વીડિયો સામે આવતા ભડકી શ્રીસંતની પત્ની, લલિત મોદી-ક્લાર્કને ખખડાવ્યા
Harbhajan-Sreesanth Slapping Video: આઈપીએલ ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ કિસ્સાઓમાંથી એક 'સ્લેપગેટ'ને હવે 17 વર્ષ વીતી ગયા છે. હરભજન સિંહ અને શ્રીસંત આ ઘટનાને ભૂલીને તેમના જીવનમાં આગળ વધી ગયા છે, પરંતુ તાજેતરમાં જ આ જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે લલિત મોદી અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માઈકલ ક્લાર્કે તે ઘટનાનો વીડિયો જાહેર કર્યો હતો. જેના કારણે શ્રીસંતની પત્નીએ બંને પર ભડકી હતી.
શું છે આખી ઘટના?
વર્ષ 2008માં IPL ની શરૂઆત થઈ હતી અને આ પહેલી જ સીઝનમાં હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચનો થપ્પડ કાંડ આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. હાલ હરભજન સિંહ અને શ્રીસંતની થપ્પડ મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જો કે, અનેક લોકોએ આ થપ્પડનો વીડિયો જોયો ન હતો.
મેદાન પર શું થયું હતું?
લલિત મોદીએ માઈકલ ક્લાર્કના પોડકાસ્ટ 'બિયોન્ડ 23 ક્રિકેટ'માં વાતચીત દરમિયાન આ વીડિયો જાહેર કર્યો. આ વીડિયોમાં તે ઘટના જોવા મળે છે જ્યારે મેચ પૂરી થયા બાદ હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી. લલિત મોદીએ જણાવ્યું કે તે સમયે મેદાનના કેમેરા બંધ થઈ ગયા હતા અને માત્ર તેમનો એક સિક્યોરિટી કેમેરા જ ચાલુ હતો. મેચ પૂરી થયા બાદ બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે ભજ્જી અને શ્રીસંત સામસામે આવ્યા ત્યારે હરભજને તેમને ડાબા હાથે થપ્પડ મારી. આ ઘટના બાદ હરભજન પર 11 મેચનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.
શ્રીસંતની પત્નીનો ગુસ્સો
વીડિયો સામે આવ્યા બાદ શ્રીસંતની પત્ની ભુવનેશ્વરી ગુસ્સે ભરાઈ હતી. તેણે લલિત મોદી અને ક્લાર્કને વખોડતા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, 'લલિત મોદી અને માઈકલ ક્લાર્ક, તમને શરમ આવવી જોઈએ. તમે માત્ર સસ્તી લોકપ્રિયતા અને વ્યુઝ માટે 2008ની ઘટનાને ફરી બહાર લાવી રહ્યા છો. શ્રીસંત અને હરભજન બંને હવે તેમના જીવનમાં આગળ વધી ગયા છે, હવે તેઓ બાળકોના પિતા છે. આવી સ્થિતિમાં જૂના ઘાને ફરી ખોતરવા એ અત્યંત અમાનવીય અને ઘૃણાસ્પદ કામ છે.'
ભુવનેશ્વરીએ આગળ કહ્યું કે, 'શ્રીસંતે જીવનના પડકારોને પાર કરીને ગૌરવ સાથે નવી શરૂઆત કરી છે, પરંતુ આવી હરકતોથી પરિવારને ફરીથી જૂના આઘાતનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી માત્ર ખેલાડીઓને જ નહીં, પરંતુ તેમના નિર્દોષ બાળકોને પણ દુઃખ પહોંચી રહ્યું છે. કોઈ પણ ભૂલ વગર તેમને શરમ અને સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.'
આ પણ વાંચો: હરભજન-શ્રીસંત થપ્પડ કાંડનો વીડિયો કેમ 17 વર્ષ સુધી છુપાવાયો? હર્ષા ભોગલેએ કર્યો દાવો
મુકાદમો ચાલવો જોઈએ: ભુવનેશ્વરી
પોતાની નારાજગી વ્યક્ત કરતા ભુવનેશ્વરીએ કહ્યું કે, 'આટલું ખરાબ અને અમાનવીય કામ કરવા બદલ તમારા બંને પર કેસ થવો જોઈએ. કોઈપણ વીડિયો શ્રીસંત પાસેથી તેમનું ગૌરવ છીનવી શકે નહીં. પરિવારો અને બાળકોને દુઃખ પહોંચાડતા પહેલા ભગવાનેથી ડરો.'