Get The App

હરભજન સિંહે પાકિસ્તાની ક્રિકેટર શાહનવાઝ સાથે હાથ મિલાવતા હોબાળો, વીડિયો વાઈરલ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
Harbhajan Singh -Shahnawaz Dahani Shakes Hand


Harbhajan Singh -Shahnawaz Dahani Shakes Hand: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય ખેલાડીઓએ ક્રિકેટ મેદાન પર પાકિસ્તાનને અનેક રીતે બૉયકોટ કર્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લીજન્ડ્સમાં પાકિસ્તાન સામે ન રમવાના નિર્ણય સાથે હરભજન સિંહ, શિખર ધવન, સુરેશ રૈના અને ઇરફાન પઠાણ જેવા સિનિયર ખેલાડીઓએ આની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય ભાવના અંગે તેમનું કહેવું હતું કે, 'તણાવપૂર્ણ રાજકીય પરિસ્થિતિમાં લોહી અને પરસેવો એક સાથે રહી શકે નહીં.' આ બૉયકોટના પરિણામે ભારતીય ચેમ્પિયન્સ ટીમ સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ, જેનાથી પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યું.

ત્યારબાદ, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળની પુરુષ ટીમે એશિયા કપમાં આ અભિયાનને આગળ ધપાવ્યું. આ દરમિયાન ખેલાડીઓ વચ્ચે નો-હેન્ડશેક વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો અને ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા પછી ટ્રોફી સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. આ પછી મહિલા ટીમે પણ વુમન્સ વર્લ્ડ કપમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

હરભજનનો ફોટો વાઇરલ: સમાધાનની શરૂઆત?

હાલમાં સોશિયલ મીડિયા પર હરભજન સિંહનો એક ફોટો વાઇરલ થયો છે, જેના કારણે ચર્ચા જાગી છે. આ તસવીર અબુધાબી T10 લીગની છે, જેમાં હરભજન પાકિસ્તાની ફાસ્ટ બોલર શહનવાઝ દહાની સાથે હાથ મિલાવતો નજરે પડે છે.

મહત્ત્વનું છે કે હરભજન સિંહ પોતે પણ પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધો સમાપ્ત કરવાની વાત કરી ચૂક્યો છે, એવામાં તેનો આ વાઇરલ વીડિયો વિવાદનું કારણ બન્યો છે. એશિયા કપ દરમિયાન ભારતીય ક્રિકેટરોએ આખી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં હરભજન સિંહે પણ કહ્યું હતું કે, 'ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સુધારો ન થાય ત્યાં સુધી ક્રિકેટ મેચ રમાવી ન જોઈએ.'

પરંતુ, હવે હરભજને જે રીતે મેચ પછી શાહનવાઝ દહાની સાથે હાથ મિલાવ્યો, તેનાથી તેની કથની અને કરણી વચ્ચેનો સ્પષ્ટ તફાવત દેખાય છે. આ વીડિયો સામે આવ્યા પછી તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ રહ્યો છે.

નોર્ધર્ન વોરિયર્સની 4 રનથી જીત

19 નવેમ્બરના રોજ રમાયેલી મેચમાં હરભજન સિંહ એસ્પિન સ્ટેલિયન્સ (Aspin Stallions)ની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, જ્યારે શાહનવાઝ દહાની નોર્ધર્ન વોરિયર્સ (Northern Warriors)ની ટીમ તરફથી રમી રહ્યો હતો. આ મેચ વોરિયર્સે 4 રને જીતી લીધી હતી.

આ પણ વાંચો: IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, બીજી ટેસ્ટમાં શુભમન ગિલ બહાર થયાની ચર્ચા, સુદર્શનને તક!

દહાની 'પ્લેયર ઑફ ધ મેચ'

પ્રથમ બેટિંગ કરતા વોરિયર્સે જોનસન ચાર્લ્સના અણનમ 55 અને કોલિન મુનરોના અણનમ 38ની મદદથી 10 ઓવરમાં 114/1 રન બનાવ્યા હતા. જવાબમાં, હરભજન સિંહની આગેવાની હેઠળની એસ્પિન સ્ટેલિયન્સ 4 રનથી લક્ષ્યથી દૂર રહી ગઈ. આમાં પ્લેયર ઓફ ધ મેચ શાહનવાઝ દહાની રહ્યો, જેણે 2 ઓવરમાં માત્ર 10 રન આપીને 2 વિકેટ લીધી અને છેલ્લી ઓવરમાં 8 રનનો બચાવ પણ કર્યો, જ્યાં તેની બંને વિકેટ આવી. રન ચેઝ દરમિયાન હરભજન સિંહ મેચના છેલ્લા બોલે રન આઉટ થતાં તેની ટીમ હારી ગઈ. 

મેચ પૂરી થયા પછી, હરભજને નોર્ધન વોરિયર્સના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો. આ દરમિયાન, શાહનવાઝ દહાની પણ તેની સામે આવ્યો અને તેણે દહાની સાથે પણ હાથ મિલાવ્યો.

હરભજન સિંહે પાકિસ્તાની ક્રિકેટર શાહનવાઝ સાથે હાથ મિલાવતા હોબાળો, વીડિયો વાઈરલ 2 - image

Tags :