BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે, હરભજન સિંહ સહિત આ નામ પણ રેસમાં
BCCI President Race: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે. આ બેઠક સાથે જ બોર્ડના અધ્યક્ષ પદ માટેની સ્પર્ધા હવે કેટલાક પ્રમુખ અને જાણીતા ચહેરાઓ સુધી સીમિત થઈ ગઈ છે.
BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે
ચૂંટણી અધિકારી એ.કે. જોતિએ 19 સપ્ટેમ્બરે અંતિમ મતદાર યાદી બહાર પાડી હતી, જેમાં ચાર ભૂતપૂર્વ ક્રિકેટર અને પ્રશાસકોનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌરવ ગાંગુલી (બંગાળ ક્રિકેટ એસોસિયેશન), હરભજન સિંહ (પંજાબ ક્રિકેટ એસોસિયેશન), રઘુરામ ભટ્ટ (કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન) અને જયદેવ શાહ(સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન)ને ટોચના પદ માટે મુખ્ય દાવેદાર ગણવામાં આવે છે. તેમની ઉપસ્થિતિએ વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ સંસ્થાનું નેતૃત્વ ક્રિકેટર-પ્રશાસકોના હાથમાં રહે તેવી માંગને વધુ બળ આપ્યું છે.
કિરણ મોરેનું નામાંકન થવાની શક્યતા
આ રેસમાં, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અને રાષ્ટ્રીય પસંદગીકાર કિરણ મોરેએ એક નવો વળાંક લાવી દીધો છે. તેઓ હાલમાં બરોડા ક્રિકેટ ઍસોસિયેશનના સચિવ છે, જોકે તેમનું નામ રાજ્યના પ્રતિનિધિ તરીકે યાદીમાં સામેલ નથી. તેમ છતાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના નામાંકન થવાની શક્યતા હજુ પણ છે.
કિરણ મોરેને ક્રિકેટ અને વહીવટી બંને ક્ષેત્રોમાં અનુભવ અને કુશળતા ધરાવતા માનવામાં આવે છે. તેમણે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ સાથે પણ કામ કર્યું છે અને હાલમાં તેઓ વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સ ટીમના જનરલ મેનેજર તરીકે કાર્યરત છે.
BCCI પ્રમુખ પદ: સચિન તેંડુલકરે અટકળોને નકારી, આજે દિલ્હીમાં બેઠક
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર BCCI પ્રમુખ પદમાં રસ ધરાવે છે તેવી અટકળો હતી, પરંતુ સચિને આ તમામ વાતોને નકારી કાઢી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઉચ્ચ પદ માટે શનિવારે એટલે કે આજે દિલ્હીમાં એક અનૌપચારિક બેઠક યોજાઈ શકે છે. ચૂંટણી પ્રક્રિયા 20 સપ્ટેમ્બરથી નામાંકન સાથે શરુ થશે, ત્યારબાદ 23 સપ્ટેમ્બરે નામાંકનોની ચકાસણી કરવામાં આવશે અને અંતિમ યાદી બહાર પાડવામાં આવશે. વાર્ષિક સામાન્ય સભા દરમિયાન 28 સપ્ટેમ્બરે મતદાન થશે. આ બેઠકમાં નવા રાષ્ટ્રીય પસંદગીકારોની પણ જાહેરાત થવાની શક્યતા છે, જે તેને ભારતીય ક્રિકેટ પ્રશાસન માટે એક મહત્ત્વપૂર્ણ ઘટના બનાવે છે.