જાડેજા-શમી બહાર અને ગંભીરના 'ફેવરિટ' ખેલાડીની ટીમમાં એન્ટ્રી થતાં ભારે ટ્રોલિંગ, પૂર્વ દિગ્ગજ પણ ભડક્યા

Team India Selection: ભારતના પૂર્વ મુખ્ય પસંદગીકાર અને દિગ્ગજ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે હર્ષિત રાણાના ODI ટીમમાં સમાવેશ પર સવાલ ઉઠાવ્યા છે. શ્રીકાંતે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને BCCI પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવેલા અનેક નિર્ણયોની ટીકા કરી છે. શ્રીકાંતે ODI ટીમમાંથી સંજુ સેમસનને બાકાત રાખવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. શ્રીકાંતે ખાસ કરીને હર્ષિત રાણાને લઈને વાત કરી હતી, જેણે નવેમ્બર 2024 ના ચાર મહિનાની અંદર ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ હતું.
'સતત આ રીતે પસંદગી કરીને તેઓ ખેલાડીઓને ભ્રમિત કરે છે'
હાલમાં જ એશિયા કપ 2025 ટાઇટલ વિજેતા ટીમ ટીમ ઈન્ડિયાનો ભાગ રહેલા હર્ષિત રાણાને ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચની ODI શ્રેણી માટે નિષ્ણાત ફાસ્ટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ પસંદગીથી ટીમ મેનેજમેન્ટની રણનીતિ અને ખેલાડીઓની પસંદગીના માપદંડો અંગે ચર્ચાનો વિષય બન્યો છે. શ્રીકાંતે કહ્યું, 'સતત આ રીતે પસંદગી કરીને તેઓ ખેલાડીઓને ભ્રમિત કરે છે. ત્યા સુધી કે, અમને પણ રોજ ખાતરી નથી હોતી કે પસંદગી કોની થશે.' આજે યશસ્વી જયસ્વાલ ટીમમાં હોય છે, તો બીજા દિવસે ટીમની બહાર થઈ જાય છે. માત્ર એક જ કાયમી સભ્ય છે: હર્ષિત રાણા. કોઈ નથી જાણતુ કે, તે ટીમમાં કેમ છે. સતત ફેરફાર અને કાપ મૂકીને તેઓ ખેલાડીઓના આત્મવિશ્વાસ ઓછો કરી રહ્યા છે.
હર્ષિત રાણાની ભારે ટીકા
કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું, 'તમે તો કેટલાક ખેલાડીઓ સારુ પ્રદર્શન કરે છે તો પણ પસંદ નથી કરતા અને જ્યારે કેટલાક ખેલાડીઓ સારુ પ્રદર્શન નથી કરતાં તો પણ તમે તેમને પસંદ કરો છો. સૌથી સારી વાત એ છે કે હર્ષિત રાણા જેવા બનો અને ગંભીર સાથે સતત હાં મા હા ભરતા રહો, જેથી તેમની પસંદગી થઈ શકે. તમારે 2027 વર્લ્ડ કપ માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ, પરંતુ મને લાગે છે કે તેઓએ કાંઈ કર્યું નથી. જો તમે સંભવિત ખેલાડીઓમાંથી હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડીને પસંદ કરો છો, તો તમે ટ્રોફીને અલવિદા કરી શકો છો.' હાલમાં જ રમાયેલી એશિયા કપ 2025 ટુર્નામેન્ટમાં હર્ષિત રાણાએ બે મેચમાં 79 રન આપ્યા અને માત્ર બે વિકેટ લીધી હતી.
મેદાન પર તેમનું વર્તન પણ સારું નથી
કૃષ્ણમાચારી શ્રીકાંતે હર્ષિત રાણાના મેદાન પરના વર્તન અંગે પણ આકરી ટીકા કરી. કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું કે, 'હર્ષિત રાણા ખૂબ જ ફિલ્મી જેવા નાટક કરે છે. આ ફિલ્મી પ્રતિક્રિયાઓ કોઈ કામની નથી. તમારે ખરેખર સારી બોલિંગ કરવી પડશે. તમારુ વર્તન પણ યોગ્ય નથી. આ માત્ર એક દેખાવો કરે છે. આક્રમકતા અલગ વાત છે, પરંતુ નાની ઉંમરે આવો દેખાવો બરોબર નથી.' નોંધનીય છે કે હર્ષિત રાણા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો પ્રિય ખેલાડી હોવાનું કહેવાય છે.