Sports

KKRના પૂર્વ સ્ટાર ક્રિકેટર કોકેઈનના ટેસ્ટમાં ફસાયો, 2 મહિના અગાઉ સજા ભોગવી પણ ખુલાસો હવે થયો!

By GS Team
6 Nov 20263 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ક્રિસ લિન કોકેઈનના સેવન મામલે ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવતાં તેને 1 મહિનાનો પ્રતિબંધ ફરમાવાયો હતો. ઈંગ્લેન્ડના ક્રિકેટ રેગ્યુલેટરે 6 નવેમ્બરના રોજ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી. લિને T20 બ્લાસ્ટના ફાઇનલ દિવસે 18 જુલાઈના રોજ સેમ્પલ આપ્યું હતું, જેમાં કોકેઈનનું મેટાબોલાઈટ મળી આવ્યું હતું. જોકે, લિને નશામુક્તિ કાર્યક્રમમાં ભાગ લઈને સજા ઘટાડી હતી અને 2 મહિના પહેલાં જ પ્રતિબંધ પૂર્ણ કરી લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

KKRના પૂર્વ સ્ટાર ક્રિકેટર કોકેઈનના ટેસ્ટમાં ફસાયો, 2 મહિના અગાઉ સજા ભોગવી પણ ખુલાસો હવે થયો!

Chris Lynn Positive Cocaine Test Ban Revealed: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર અને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમી ચૂકેલા બેટ્સમેન ક્રિસ લિનને લઈને એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 36 વર્ષીય આ આક્રમક બેટ્સમેન કોકેઈનના સેવન મામલે ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો, જેના કારણે તેને 1 મહિનાના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો. સૌથી મોટી બાબત એ છે કે લિને પોતાનો પ્રતિબંધ 2 મહિના પહેલાં જ પૂર્ણ કરી લીધો હતો, પરંતુ આ સમગ્ર પ્રકરણની માહિતી હવે જાહેર થઈ છે. ઈંગ્લેન્ડના ક્રિકેટ રેગ્યુલેટરે 6 નવેમ્બરના રોજ આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરી છે.

T20 બ્લાસ્ટના ફાઇનલ દિવસે લેવાયો હતો સેમ્પલ

આ ઘટના એ સમયની છે જ્યારે ક્રિસ લિન ઈંગ્લેન્ડની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ 'T20 બ્લાસ્ટ'માં નોર્થમ્પ્ટનશાયર ટીમ તરફથી રમી રહ્યો હતો:

  • 18 જુલાઈના રોજ ટૂર્નામેન્ટના ફાઇનલ ડે પર તેનો નિયમિત એન્ટી-ડોપિંગ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. તે જ દિવસે તેની ટીમે ટાઈટલ જીતીને ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી.
  • ફ્રાન્સની લેબોરેટરીમાં લિનના યુરિન સેમ્પલની તપાસ કરવામાં આવતાં તેમાં કોકેઈનનું મેટાબોલાઈટ 'બેન્ઝોઈલએકગોનિન' મળી આવ્યું હતું.
  • 31 જુલાઈના રોજ રેગ્યુલેટરે પરિણામની જાણ કરી તેને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કર્યો હતો. તે સમયે લિન લંકા પ્રીમિયર લીગ (LPL)માં ગોલ ગ્લેડિએટર્સ તરફથી રમવા શ્રીલંકા પહોંચ્યો હતો, પરંતુ પગની ઈજાને કારણે 29 જુલાઈએ જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

લિનનો ખુલાસો: 3 મહિનાની સજા ઘટીને 1 મહિનો થઈ

20 ઓગસ્ટે ક્રિસ લિને રેગ્યુલેટર સમક્ષ પોતાનો જવાબ રજૂ કરતાં કોકેઈન લીધું હોવાની કબૂલાત કરી હતી. લિને સ્પષ્ટતા કરી કે તેણે 15 જુલાઈની સાંજથી 16 જુલાઈની વહેલી સવાર દરમિયાન આ નશાકારક પદાર્થનું સેવન કર્યું હતું. તેણે જણાવ્યું કે આ ઉપયોગ ક્રિકેટ સ્પર્ધાની બહાર થયો હતો અને તેની રમત કે પ્રદર્શન સાથે તેને કોઈ લેવાદેવા નહોતી. ઉલ્લેખનીય છે કે 15 જુલાઈએ T20 બ્લાસ્ટની ક્વાર્ટર ફાઇનલમાં ડુઆન જાન્સેનનો બોલ વાગતાં લિન ઈજાગ્રસ્ત થઈને રિટાયર્ડ હર્ટ થયો હતો.

રેગ્યુલેટરે શરૂઆતમાં 3 મહિનાના પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ લિને નશામુક્તિ અને સારવાર કાર્યક્રમમાં ભાગ લઈને તેને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. ઓક્ટોબરમાં પ્રમાણપત્રો જમા કરાવ્યા બાદ સજા ઘટાડીને 1 મહિનો કરવામાં આવી હતી. લિનનો આ પ્રતિબંધ 31 જુલાઈથી 30 ઓગસ્ટ 2026 સુધી અમલમાં રહ્યો હતો, જેથી તે 2 મહિના પહેલાં જ સજા પૂરી કરી ચૂક્યો છે.

KKR માટે શાનદાર રહ્યો છે ક્રિસ લિનનો રેકોર્ડ

આઈપીએલમાં ક્રિસ લિન પોતાની આક્રમક બેટિંગ શૈલી માટે જાણીતો રહ્યો છે. લિને IPમાં 42 મેચ રમીને 34.07ની એવરેજ અને 140.63ના સ્ટ્રાઈક રેટ સાથે 1,329 રન બનાવ્યા છે, જેમાં 10 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 93 રન રહ્યો હતો, જે તેણે 2017માં KKR માટે ફટકાર્યો હતો. વર્ષ 2018માં તેણે 491 રન અને 2019માં 405 રન બનાવ્યા હતા. 2021માં તે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો બન્યો હતો.

ઓસ્ટ્રેલિયા માટે 4 વનડે અને 18 T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર લિન બિગ બેશ લીગ (BBL)ના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. હાલ અહેવાલો મુજબ આગામી BBL માટે તે મેલબોર્ન રેનેગેડ્સ સાથે કરાર કરવાની તૈયારીમાં છે.