એશિયા કપ: 'ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં થાય', ટુર્નામેન્ટ પહેલા પૂર્વ ક્રિકેટરનો દાવો
IND vs PAK: એશિયા કપ 2025ની ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે, પણ આ મેચને લઈને ઘણી ચર્ચા અને વિવાદો થઈ રહ્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધ વણસ્યા છે, એવામાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટર કેદાર જાધવે મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: એશિયા કપ અગાઉ ભારતનો સ્ટાર ખેલાડી બાઈક અકસ્માતમાં ઈજાગ્રસ્ત, આકાશદીપ પણ અનફીટ!
ભારત-પાક મેચને લઈને વિવાદ
પહલગામ હુમલા બાદ ભારતે 'ઑપરેશન સિંદૂર' નામથી સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની જાહેરાત થયા પછી દેશમાં ઘણો વિવાદ થયો હતો અને ઘણા ક્રિકેટના ચાહકોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. ભારતના પૂર્વ બૉલર અને હવે ભાજપના નેતા કેદાર જાધવે મોટો દાવો કરતાં કહ્યું કે ભારતીય ટીમ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થનારી મેચમાં રમશે જ નહીં.
વિશ્વ ચેમ્પિયનશિપ લીગમાં ભારતે પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો હતો
જાધવે કહ્યું, 'મને લાગે છે કે ભારતે ન રમવું જોઈએ. ભારત જ્યારે પણ રમ્યું છે ત્યારે હંમેશાં ભારતને જીત મળી છે, પરંતુ આ મેચ (પાકિસ્તાન સાથે) રમવી જોઈએ નહીં. આ મેચ બિલકુલ પણ રમવી જોઈએ નહીં અને રમશે પણ નહીં, એ હું દાવા સાથે કહી શકું છું.' ગયા મહિને યુવરાજ સિંહની આગેવાની હેઠળની ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમે વિશ્વ ચેમ્પિયનશિપ લીગમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કર્યો હતો. ભારતે ગ્રુપ મેચ બાદ સેમિફાઈનલમાં પણ પાકિસ્તાન સાથે ન રમવાનો નિર્ણય કર્યો હતો, જેનાથી પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને દક્ષિણ આફ્રિકાએ હરાવી હતી.
આ પણ વાંચો : બુમરાહને લઇને ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ, એશિયા કપ પહેલા BCCIને મળી લેટેસ્ટ અપડેટ
આવતા મહિને શરુ થશે એશિયા કપ 2025
એશિયા કપ 2025ની ટુર્નામેન્ટ 9થી 28 સપ્ટેમ્બર સુધી UAE માં યોજાવાની છે . એશિયા કપમાં ભારતની પહેલી મેચ UAE માં 10 સપ્ટેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ 14 સપ્ટેમ્બરના રોજ ભારત પાકિસ્તાન સામે રમશે અને પછી ગ્રુપ ચરણમાં ભારત છેલ્લી મેચ 19 સપ્ટેમ્બરના રોજ ઓમાન સામે રમાશે. ટુર્નામેન્ટ આયોજન પણ UAEમાં એટલે થઈ રહ્યું છે, કારણકે પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિના કારણે બંને દેશોએ 2027 સુધી માત્ર બીજા દેશમાં રમવા પર સહમતી વ્યક્ત કરી છે. આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાને જ કર્યું હતું, પરંતુ ભારતે બધી મેચો દુબઈમાં રમી હતી અને ચેમ્પિયનશિપનું ટાઇટલ હાંસલ કર્યું હતું.