એશિયા કપ અગાઉ ભારતનો સ્ટાર ખેલાડી બાઈક અકસ્માતમાં ઈજાગ્રસ્ત, આકાશદીપ પણ અનફિટ!
Duleep Trophy 2025-26: ભારતીય વિકેટ કીપર અને બેટર ઈશાન કિશાન દુલીપ ટ્રોફી 2025-26ના પહેલા મુકાબલામાં જ ટીમમાંથી બહાર થઈ ગયો છે. ઈશાન કિશન થોડા સમય પહેલાં નોટિંઘમશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમવા યુકેમાં હતો. પરંતુ તે દરમિયાન ઈ-બાઈક પરથી પડી જતાં ઈશાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના લીધે તેને ટાંકા પણ આવ્યા છે. ઈશાન કિશન સાજો ન થતાં તેના સ્થાને ઓડિશાના આશીર્વાદ સ્વેનને ઈસ્ટ ઝોનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઈશાનની ગેરહાજરીમાં અભિમન્યુ ઈશ્વરનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈશાનની આ ઈજાના કારણે ઈંગ્લેન્ડની સામે ઓવલ ટેસ્ટ મેચમાં પણ ઋષભ પંતના રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય ટીમમાં પસંદગી થઈ શકી ન હતી. સિલેક્ટર્સે તમિલનાડુના વિકેટકીપર નારાયણ જગદીશનને સ્ક્વોડમાં સામેલ કર્યો હતો.
ઈશાન કિશનની ઈજા ગંભીર ન હોવા છતાં તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આશા છે કે, આગામી મહિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનારી બે ફર્સ્ટ ક્લાસ મુકાબલા માટે તે ફિટ હશે. હાલ ઈશાન કિશને બેંગ્લુરૂ સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિકવરી અને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવુ પડશે.
ઈશાન કિશનના સ્થાને કીપિંગ કરશે
ઈશાન કિશનની ગેરહાજરીમાં ઝારખંડના વિકેટકીપર કુમાર કુશાગ્ર પહેલી મેચમાં ઈસ્ટ ઝોનની પ્લેઈંગ-11નો હિસ્સો બની શકે છે. દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોનની ટીમનો પહેલો મુકાબલો 28 ઓગસ્ટના રોજ નોર્થ ઝોન સામે થશે. ટૂર્નામેન્ટમાં છ ટીમ ભાગ લઈ રહી છે. જેનું આયોજન બેંગ્લુરૂમાં થશે.
આકાશ દીપ પણ ટીમમાંથી બહાર
ફાસ્ટ બોલર આકાશ દીપ પણ પહેલાં મુકાબલામાં ઈસ્ટ ઝોનની ટીમનો ભાગ નહીં બને. તેને આરામ આપવામાં આવ્યો છે. આકાશ દીપની ઈજા અંગે હાલ કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી. આકાશની ફિટનેસ ટેસ્ટ બાદમાં થશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર આકાશ દીપે આકર્ષક પર્ફોર્મન્સ આપ્યું હતું. તેણે ત્રણ ટેસ્ટમાં 13 વિકેટ ઝડપી હતી. જેમાં એઝબેસ્ટન ટેસ્ટ મેચમાં 10 વિકેટ ઝડપી હતી. આકાશ દીપે ઓવલ ટેસ્ટ મેચમાં અર્ધસદી પણ ફટકારી હતી. આકાશના સ્થાને આસામના મુખ્તાર હુસૈનની પસંદગી કરવામાં આવી છે.
ઈસ્ટ ઝોનની સ્ક્વોડઃ અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), રિયાન પરાગ (વાઈસ કેપ્ટન), આશીર્વાદ સ્વેન (વિકેટકીપર), સંદીપ પટનાયક, વિરાટ સિંહ, ડેનિશ દાસ, શ્રીદામ પૉલ, શરણદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), ઉત્કર્ષ સિંહ, મનીષી, સૂરજ સિંધુ જયસ્વાલ, મુકેશ કુમાર, મુખ્તાર હુસૈન, અને મોહમ્મદ શામી.