વર્લ્ડ કપ વચ્ચે ફૂટબોલ જગતમાં ખળભળાટ! આ ટીમના એ કેપ્ટન પર લાગ્યો દુષ્કર્મનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FIFA World Cup 2026 : ફિફા વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરી રહેલી કેપ વર્ડેની ટીમ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આર્જેન્ટિના સામેની રાઉન્ડ ઓફ 32ની મેચ પહેલા ટીમના કેપ્ટન રયાન મેન્ડિસ પર રેપ (બળાત્કાર)નો ગંભીર આરોપ લાગ્યો છે. બ્રાઝિલની પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થા 'ગ્લોબો' ના અહેવાલ મુજબ, ન્યૂઝીલેન્ડ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. હાલમાં તેમની સામે કોઈ ગુનાહિત આરોપો નક્કી કરવામાં આવ્યા નથી અને તપાસ ચાલુ છે.
રયાન મેન્ડિસે વર્તમાન વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજના ત્રણેય મુકાબલા રમ્યા છે અને ટીમને પ્રથમ વખત નોકઆઉટ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ હવે તેમની પર લાગેલા આરોપોએ સનસનાટી મચાવી દીધી છે. અહેવાલ અનુસાર, આ મામલો માર્ચ 2026નો છે, જ્યારે કેપ વર્ડેની ટીમ ફિફા સિરીઝ રમવા ન્યૂઝીલેન્ડ ગઈ હતી. આરોપ લગાવનાર મહિલા બ્રાઝિલની નાગરિક છે, અને તે પ્રવાસ દરમિયાન ટીમ સાથે ટ્રાન્સલેટર (અનુવાદક) તરીકે કામ કરી રહી હતી. મહિલાનો આરોપ છે કે, ઓકલેન્ડની હોટલમાં રયાન મેન્ડિસ જબરદસ્તીથી તેના રૂમમાં ઘૂસી ગયા હતા, અને તેની સાથે શારીરિક તેમજ જાતીય શોષણ કર્યું હતું. ઘટના બાદ તેણે તરત જ સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી, અને મેડિકલ તપાસ પણ કરાવી હતી.
અહેવાલો અનુસાર, મેડિકલ તપાસમાં મહિલાના શરીર પર ઈજાના અનેક નિશાન મળી આવ્યા છે. તપાસ દરમિયાન ગરદન, હોઠ અને શરીરના અન્ય ભાગો પર પણ ઈજાના નિશાન મળ્યા હતા. મહિલાએ કથિત રીતે આ ઈજાઓની તસવીરો પોલીસને સોંપી હતી અને બાદમાં ગ્લોબો સાથે પણ શેર કરી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મહિલાએ આ ઘટનાની જાણકારી કેપ વર્ડે ફૂટબોલ ટીમ સાથે જોડાયેલા ત્રણ અધિકારીઓને પણ આપી હતી, પરંતુ તેને કોઈ જવાબ મળ્યો ન હતો.
ફિફાએ સમગ્ર મામલે શું કહ્યું?
આ મામલો સામે આવ્યા બાદ ફિફા (FIFA) એ પણ પ્રતિક્રિયા આપી છે. 'યુએસએ ટુડે' ને આપેલા નિવેદનમાં ફિફાએ કહ્યું, 'અમે કોઈપણ પ્રકારના ગેરવર્તણૂકના આરોપને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. આ મામલામાં અમે ન્યૂઝીલેન્ડના સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છીએ. કારણ કે તપાસ હજુ ચાલુ છે, તેથી હાલમાં આનાથી વધુ ટિપ્પણી કરવામાં નહીં આવે.'
બીજી તરફ, કેપ વર્ડે ફૂટબોલ મહાસંઘે હજી સુધી આ મામલે કોઈ જાહેર નિવેદન બહાર પાડ્યું નથી. 'યુએસએ ટુડે' ના જણાવ્યા અનુસાર, ટીમ મેનેજમેન્ટ પાસેથી પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. કેપ વર્ડે આ વર્લ્ડ કપની સૌથી મોટી 'ડાર્ક હોર્સ' ટીમ બનીને ઉભરી આવી છે. સ્પેન અને ઉરુગ્વે જેવી દિગ્ગજ ટીમો ધરાવતા ગ્રુપમાં અજેય રહીને નોકઆઉટ સુધી પહોંચવું એ પોતાનામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે.
હવે કેપ વર્ડેનો સામનો 4 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર સવારે 3:30 વાગ્યે લિઓનેલ મેસ્સીની આર્જેન્ટિના સામે થવાનો છે. પરંતુ આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા કેપ્ટન પર લાગેલા ગંભીર આરોપોએ ટીમની તૈયારીઓ પર પણ અસર પાડી દીધી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, તપાસ વચ્ચે રયાન મેન્ડિસ ટીમ સાથે જોડાયેલા રહે છે કે નહીં. હાલમાં ફિફા કે કેપ વર્ડે ફૂટબોલ મહાસંઘ તરફથી કોઈ શિસ્તભંગના પગલાંની જાહેરાત કરવામાં આવી નથી.









