જે ખેલાડીઓએ એજબેસ્ટનમાં મેચ જીતાડી તેમણે જ લોર્ડ્સમાં નૈયા ડૂબાડી, જાણો હારના 7 કારણ
Lord's Test Match IND Vs ENG: ઈંગ્લેન્ડના લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે ભારત 22 રનથી હારતાં ઈંગ્લેન્ડ 2-1થી આગળ ચાલી રહ્યું છે. આગામી ચોથી ટેસ્ટ 23 જુલાઈના રોજ માનચેસ્ટરમાં રમાશે. ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના 193 રનના ટાર્ગેટનો પીછો કરતી ટીમ ઈન્ડિયા 170 રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 61 રન ફટકાર્યા હતાં. જ્યારે ઓપનર બેટર લોકેશ રાહુલે 39 રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાને પરાજિત કરી હતી.
એજબેસ્ટન ટેસ્ટમાં જે બેટર્સના જોરે ટીમ ઈન્ડિયા જીતી હતી. તેમણે ત્રીજી ટેસ્ટમાં કોઈ ખાસ પર્ફોર્મન્સ આપ્યું નહીં. રાહુલ અને પંતે કોઈ કરામત બતાવી નહીં. કેપ્ટન ગિલ તો બંને ઈનિંગમાં ફેઈલ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાની હારના આ સિવાય અન્ય પણ કારણો છે. આવો જાણીએ...
1. યશસ્વી-ગિલ ફ્લોપ રહ્યાં
યશસ્વી અને ગિલે પહેલી બે ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. યશસ્વીને ભવિષ્યનો સફળ બેટર માનવામાં આવે છે, પરંતુ આ ટેસ્ટમાં તેના નબળા શોટ ટીમ ઈન્ડિયાની હારનું એક મુખ્ય કારણ બન્યા છે. પહેલી ઇનિંગમાં તે જોફ્રા આર્ચરના બોલ પર હેરી બ્રુકના હાથે કેચ થતાં આઉટ થયો હોવા છતાં તેણે બીજી ઇનિંગમાં આર્ચરના બોલ પર હવામાં એક બેજવાબદાર શોટ રમ્યો હતો અને કેચ આઉટ થયો. પહેલી ઇનિંગમાં, યશસ્વીએ આઠ બોલ રમ્યા અને 13 રન બનાવ્યા, જ્યારે બીજી ઇનિંગમાં તે સાત બોલ રમ્યા હોવા છતાં ખાતું ખોલી શક્યો નહીં. કેપ્ટન શુભમન ગિલે આ ઈનિંગમાં 600થી વધુ રન બનાવ્યા છે, પરંતુ જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેણે કોઈ જાદુ બતાવ્યો નહીં. તે 44 બોલમાં 16 રન બનાવી આઉટ થયો અને બીજી ઇનિંગમાં 9 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો.
2. ત્રીજા નંબરના ખેલાડીની સમસ્યા યથાવત
કરુણ નાયરના પુનરાગમનથી ઘણી ચર્ચાઓ થઈ હતી. તેણે ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા અને સખત મહેનતના આધારે પુનરાગમન કર્યું હતું. જોકે, ત્યારબાદથી તે નિષ્ફળ રહ્યો છે. પ્રથમ ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે બધાએ કહ્યું કે આ તેની બેટિંગ પોઝિશન નથી. બાદમાં તેને એજબેસ્ટનની ફ્લેટ પીચ અને લોર્ડ્સની મુશ્કેલ પીચ પર પર ત્રીજા નંબર પર બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું અને તે આ બંને પીચ પર નિષ્ફળ રહ્યો. અત્યાર સુધી, ત્રણ ટેસ્ટની છ ઇનિંગમાં તેનો સ્કોર 0, 20, 31, 26, 40 અને 14 રન રહ્યો છે. ભારતે ત્રીજા નંબર પર વધુ સારો વિકલ્પ શોધવો પડશે. જો કરુણનું ફોર્મ આવું જ રહેશે, તો તેને ફરીથી ડ્રોપ કરવામાં ઝાઝો સમય નહીં લાગે.
3. લોઅર ઓર્ડરના બેટરને આઉટ ન કરી શક્યા
ઈંગ્લેન્ડે પોતાના પ્રથમ દાવમાં 271 રન પર સાત વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ પણ ભારતીય બોલર્સ લોઅર ઓર્ડરમાં રમવા ઉતરેલા બેટર્સને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા હતાં. જેમી સ્મિથે બ્રાયડન કાર્સ સાથે 84 રનની પાર્ટનરશિપ કરી ઈંગ્લેન્ડને 387ના સ્કોર સુધી પહોંચાડી હતી. લોઅર ઓર્ડરના બેટર્સના ઉમદા પર્ફોર્મન્સ ટીમ ઈન્ડિયા પર ભારે પડ્યાં.
4. ઋષભ પંત પ્રથમ ઇનિંગમાં રન આઉટ
ભારતીય કેપ્ટન શુભમન ગિલ તેમજ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ સ્વીકાર્યું કે પંતનું રન આઉટ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. ગિલે મેચ પછી કહ્યું હતું કે પંતનું આઉટ થવું ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ હતો. જો આપણને પ્રથમ ઇનિંગમાં સમાન સ્કોર કરવાના બદલે 80 રનની લીડ મળી હોત, તો પરિણામ અલગ હોઈ શક્યું હોત. પંત પ્રથમ ઇનિંગમાં 74 રન બનાવીને ખૂબ જ સારા ફોર્મમાં હતો, પરંતુ તે પછી તે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના સચોટ થ્રો પર રન આઉટ થયો હતો. તે સમયે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 248 રન હતો અને એવું લાગતું હતું કે ટીમ ઇન્ડિયા લીડ મેળવી લેશે. પંત અને રાહુલે 141 રનની ભાગીદારી કરી હતી. પંત આઉટ થયા પછી, ટીમ ઈન્ડિયાની વિકેટ નિયમિત અંતરાલે પડતી રહી અને તેઓ ફક્ત 387 રન જ બનાવી શક્યા.
5. એક્સ્ટ્રા 63 રન આપ્યાં
ભારતે આ ટેસ્ટમાં એક્સ્ટ્રા 63 રન આપ્યા. પ્રથમ ઇનિંગમાં, ટીમ ઈન્ડિયાએ 31 રન અને બીજા ઇનિંગમાં 32 રન એક્સ્ટ્રા આપ્યા. જો આપણે તેની સરખામણી ઇંગ્લેન્ડ સાથે કરીએ, તો ઇંગ્લેન્ડની ટીમે કુલ 30 રન એક્સ્ટ્રા આપ્યા જેમાં પ્રથમ ઇનિંગમાં 12 રન અને બીજા ઇનિંગમાં 18 રન સામેલ છે. આ એક્સ્ટ્રા રન ભારતની હારનું એક મુખ્ય કારણ છે. ખાસ કરીને બીજા ઇનિંગમાં, ભારતીય ટીમે ઘણા રન આપ્યા હતાં.
6. બીજી ઈનિંગમાં બેટર્સનું ખરાબ પર્ફોર્મન્સ
ભારતના લોઅર ઓર્ડરના બેટરે દૃઢ નિશ્ચય સાથે ઉમદા બેટિંગ કરી હતી. પરંતુ ઓપનર બેટર કંઈ ખાસ પર્ફોર્મન્સ આપી શક્યા નહીં. કેએલ રાહુલ સિવાય કોઈ પીચ પર લાંબો સમય ટકી શક્યા નહીં. રાહુલે 58 બોલમાં 39 રન બનાવ્યા. કરુણ સાથે (14) ભાગીદારી જાળવી રાખવાનો ચોક્કસ પ્રયાસ કર્યો, પરંતુ એક છેડેથી વિકેટ પડતી રહી અને અંતે રાહુલ પણ આઉટ થયો. જાડેજાએ 181 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા. નીતિશે 53 બોલમાં 13 રન, બુમરાહે 54 બોલમાં પાંચ રન અને સિરાજે 30 બોલમાં ચાર રન બનાવ્યા. લોઅર ઓર્ડરના બેટર્સની બેટિંગ ભલે ટીમ ઈન્ડિયાને જીતાડી શકી નહીં. પરંતુ તેમના જુસ્સાના ચારેકોર વખાણ થયા છે.
7. આર્ચર-સ્ટોક્સની આક્રમક બોલિંગ
સ્ટોક્સે શાનદાર બોલિંગ કરી હતી કેપ્ટન તરીકે, તેણે ઇંગ્લેન્ડની ટીમને જીત અપાવવાની જવાબદારી લીધી અને આક્રમક બોલિંગ કરતો રહ્યો. તેનો પહેલો સ્પેલ સાડા નવ ઓવરનો હતો, પછી બીજો સ્પેલ છ ઓવરનો હતો. તેણે અંતમાં ઘણી ઓવર રમી હતી. સ્ટોક્સે રાહુલ, આકાશ દીપ અને બુમરાહની મહત્ત્વની વિકેટ લીધી હતી. આર્ચરે પણ શાનદાર બોલિંગ કરી યશસ્વી, સુંદર અને પંતને પેવેલિયન મોકલ્યા હતાં. સ્ટોક્સને તેના ઓલરાઉન્ડર પર્ફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.