IPL મિનિ ઓક્શનમાં નવો નિયમઃ 30 કરોડની બોલી લાગશે, તો પણ વિદેશી ખેલાડીને 18 કરોડ જ મળશે!

| (IMAGE - IANS) |
IPL Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ના ખેલાડીઓની મિનિ નીલામી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. આ મિનિ ઓક્શન પહેલા એક એવા નિયમની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેની અસર વિદેશી ખેલાડીઓ પર પડશે. IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો અનુસાર, મિનિ ઓક્શનમાં કોઈપણ વિદેશી ખેલાડી મહત્તમ ₹18 કરોડ જ કમાઈ શકે છે, ભલે ફ્રેન્ચાઇઝી ટીમ તેના પર તેનાથી વધુની બોલી કેમ ન લગાવે.
બોલી ગમે તેટલી હોય, પગાર ₹18 કરોડ ફિક્સ
નિયમ પ્રમાણે, જો કોઈ વિદેશી ખેલાડી પર ₹18 કરોડથી ઉપરની બોલી લગાવવામાં આવે, તો પણ ખેલાડીને માત્ર ₹18 કરોડ જ મળશે. આ નિયમ IPL 2025 માટે યોજાયેલા મેગા-ઓક્શનમાં પહેલીવાર લાગુ કરવામાં આવ્યો હતો અને હવે તેને મિનિ ઓક્શનમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો ઉદ્દેશ નાણાકીય અનુશાસન જાળવવાનો અને મિનિ ઓક્શનમાં થતી અત્યંત મોંઘી બોલીઓ પર નિયંત્રણ રાખવાનો છે.
વધારાની રકમ BCCIના પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જમા થશે
ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર ₹30 કરોડની બોલી લાગે છે, તો પણ તેમની IPL સેલરી માત્ર ₹18 કરોડ જ રહેશે. વધારાના ₹12 કરોડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જમા થશે. જોકે, ફ્રેન્ચાઇઝી ટીમે ₹30 કરોડની સંપૂર્ણ રકમ તેના પર્સમાંથી ચૂકવવી પડશે.
KKR પાસે સૌથી મોટું બજેટ
મિનિ ઓક્શન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પાસે સૌથી વધુ ₹64.3 કરોડ રૂપિયાનું બજેટ છે. જ્યારે પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પાસે ₹43.6 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. બંને ટીમો પાસે મોટું બજેટ છે, તેમ છતાં વિદેશી ખેલાડીઓનો પગાર ₹18 કરોડથી વધારે નહીં હોય.
આ પણ વાંચો: 'હું ફરી જરૂર આવીશ...', યાદગાર મુલાકાત બાદ મેસીના શબ્દો સાંભળી ભાવુક થયા ફેન્સ
ભારતીય ખેલાડીઓને સંપૂર્ણ રકમ મળશે
નોંધનીય છે કે આ નિયમ ફક્ત વિદેશી ખેલાડીઓ માટે છે. ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ બોલીની રકમ મેળવવા માટે હકદાર હશે, ભલે તે ₹18 કરોડથી વધુની હોય.
IPL 2025 માટેની મેગા-ઓક્શનમાં રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા ₹27 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો અને તેને સંપૂર્ણ પગાર મળ્યો હતો. પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે.

