મોહમ્મદ સિરાજને ખાસ હુલામણાં નામે પોકારે છે ઈંગ્લેન્ડના ખેલાડીઓ, દિગ્ગજે કર્યો ખુલાસો
IND vs ENG: ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે એક રસપ્રદ ખુલાસો કર્યો છે કે, ઈંગ્લેન્ડની ટીમ ખાસ કરીને બેન ડકેટ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને 'Mr. Angry'ના હુલામણાં નામે પોકારે છે. આ નામ સિરાજના મેદાન પર આક્રમક વલણ સાથે સંબંધિત છે, ખાસ કરીને જ્યારે તેણે લોર્ડ્સ ટેસ્ટમાં ડકેટને આઉટ કર્યા પછી આક્રોશમાં વિદાય આપી હતી. આ હરકત માટે તેને ICC આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 15% દંડ ભર્યો પડ્યો હતો.
બ્રૉડે જણાવ્યું કે, 'બેન ડકેટ સિરાજને પર સ્મિત આપતા કહે છે કે, 'હેલો મિસ્ટર એંગ્રી, ગુડ મોર્નિંગ મિસ્ટર એન્ગ્રી, કેમ છો?' અને પછી જુઓ સિરાજ કેવી પ્રતિક્રિયા આપે છે. આ રમૂજ અંદાજમાં થાય છે, પરંતુ સિરાજનું વલણ હંમેશા ઉત્સાહી રહે છે.'
ઓવલ ટેસ્ટમાં સિરાજનું શાનદાર પ્રદર્શન
ઓવલ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારત માટે સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેણે ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક અને જેકબ બેથેલને આઉટ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગ્સને ઝટકો આપ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ 92 રન ઉમેર્યા હતા.
સ્ટુઅર્ટ બ્રૉડે કહ્યું કે, 'મને આ સીરિઝમાં સિરાજને જોવાનું ખૂબ પસંદ આવ્યું. તે દરેક જગ્યાએ હાજર રહે છે. પછી ભલે તે વિવાદ હોય કે વિકેટ. તે હંમેશા ટેલિવિઝન સ્ક્રીન પર તાળીઓ પાડતો અને હસતો જોવા મળે છે.'
સાઈ સુદર્શનનો ગુસ્સો
ત્રીજા દિવસનો અંત વધુ ગરમાગરમીથી ભરલો રહ્યો જ્યારે સાઈ સુદર્શન અચાનક આઉટ થયા પછી ડકેટ તરફ ગુસ્સાથી આગળ વધ્યો. મેદાન પર કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા આટલો જાહેર આક્રોશ કદાચ આ પહેલો હતો. ઓલી પોપ અને હેરી બ્રુકને દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ સંભાળવી પડી.
આ પણ વાંચો: 422 ચોગ્ગા અને 48 છગ્ગા... ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં રેકોર્ડ્સની હારમાળા સર્જી
બ્રૉડએ સ્વીકાર્યું કે, 'જ્યારે સુદર્શન ડકેટ તરફ ગયો અને ગુસ્સાથી પ્રતિક્રિયા આપી ત્યારે મને આશ્ચર્ય થયું. તે તેના સ્વભાવની વિરુદ્ધ હતું. પણ હું સમજું છું. જ્યારે તમે દેશ માટે રમો છો, ત્યારે તે જર્સીમાં ગર્વ અને જુસ્સો પ્રતિબિંબિત થાય છે. તેણે આગળ કહ્યું, હું હંમેશા માનું છું કે મેદાન પર લાગણીઓ દર્શાવવી સારી છે. તે રમતમાં જીવંતતા લાવે છે. હું ખુદ પણ આવી રમત પસંદ કરતો હતો.'