ઈંગ્લેન્ડ ભલે લોર્ડ્સ ટેસ્ટમાં જીત્યું પણ ICC એ ફટકાર્યો 'ડબલ' દંડ, જાણો શું છે મામલો
Image Source: Twitter
IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમ ભલે લોર્ડ્સ ટેસ્ટમાં જીતી ગઈ પરંતુ બે દિવસ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ ટીમ પર મોટો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં ભારત સામે મળેલી જીત બાદ પણ ઈંગ્લેન્ડની ટીમના ખાતામાંથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે. સ્લો ઓવર રેટ માટે ICCએ ઈંગ્લેન્ડ પર 10% મેચ ફી નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ ટીમના ખાતામાંથી બે WTC પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે, જેના કારણે તેમની જીતની ટકાવારી ઘટીને 66.67 થઈ ગઈ છે અને ટીમ બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગઈ છે.
ICC એ ફટકાર્યો 'ડબલ' દંડ
ICC એલીટ પેનલ મેચ રેફરી રિચી રિચાર્ડસને ઈંગ્લેન્ડની ટીમને સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવી છે. ઈંગ્લેન્ડે બે ઓવર મોડી કરી હતી, જેના માટે ICCએ આખી ટીમને સજા ફટકારી છે. ખેલાડીઓ અને ખેલાડીઓના સપોર્ટ સ્ટાફ માટે ICCના આચારસંહિતાની કલમ 2.22 પ્રમાણે જે સ્લો ઓવર-રેટના ગુનાઓ સાથે સબંધિત છે, તેમાં ખેલાડીઓ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ રહેવા પર દરેક ઓવર માટે તેમની મેચ ફીના 5% દંડ ફટકારવામાં આવે છે. ઈંગ્લેન્ડને નિર્ધારિત સમયમાં બે ઓવર ન ફેંકવા બદલ 10% દંડ ફટકારવામાં આવ્યો છે.
કેપ્ટન બેન સ્ટોક્સે ગુનો સ્વીકારી લીધો
ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ગુનો સ્વીકારી લીધો છે અને પ્રસ્તાવિત દંડ પણ સ્વીકારી લીધો છે. તેથી ઔપચારિક સુનાવણીની કોઈ જરૂર ન પડી. ફિલ્ડ અમ્પાયર પોલ રીફેલ અને શરાફુદ્દૌલા ઈબ્ને શાહિદ, થર્ડ અમ્પાયર અહસાન રઝા અને ફોર્થ અમ્પાયર ગ્રેહામ લોયડે ઈંગ્લેન્ડ સામે આ આરોપો નક્કી કર્યા હતા. મેચ રેફરીએ આ આરોપોને સાચા ગણાવ્યા અને ઈંગ્લેન્ડને સજા ફટકારવામાં આવી. ત્રણ મેચમાંથી બીજી મેચ જીતીને ઈંગ્લેન્ડના ખાતામાં 66.67 ટકા જીત પોઈન્ટ હતા, પરંતુ હવે તે ઘટીને લગભગ 60% થઈ જશે.