Ehsan Mani on Pakistan 'India Boycott' for T20 WC 2026: આગામી 15મી ફેબ્રુઆરીએ રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સરકાર દ્વારા ભારત સામે મેદાનમાં ન ઉતરવાની સૂચના આપ્યા બાદ વર્લ્ડ કપના ભાવિ પર સવાલો ઊભા થયા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના પૂર્વ ચેરમેન એહસાન મણિએ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનનો આ નિર્ણય અત્યંત 'નિરાશા' માંથી લેવામાં આવ્યો છે.
રાજકીય હસ્તક્ષેપ જવાબદાર: એહસાન મણિ
ICCના પૂર્વ વડા એહસાન મણિએ વર્તમાન સંકટ માટે કોઈ એક પક્ષને દોષ દેવાને બદલે "રાજકીય હસ્તક્ષેપ" ને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, 'પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે હવે ઉકેલ લાવવો મુશ્કેલ બની રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને એવું લાગી રહ્યું છે કે તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે, જેની પ્રતિક્રિયા રૂપે આ કઠોર વલણ અપનાવવામાં આવ્યું છે.'
આ પણ વાંચો: 77 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ ગંભીરની 'એક સલાહ'થી બદલાઈ મેચ, કેપ્ટન સૂર્યાનો ખુલાસો
ધમકી નહીં, સંવાદ જરૂરી હતો
અનુભવના આધારે એહસાન મણિએ જણાવ્યું કે, 'જ્યારે હું ICCના ચેરમેન હતો ત્યારે આવા મુદ્દાઓ પર વહેલી તકે વાતચીત શરૂ કરતા હતા. કોઈપણ સભ્ય દેશને ટુર્નામેન્ટમાંથી બહાર રાખવો એ ઉકેલ નથી. PCB એ જે વલણ લીધું છે તેના બદલે ટેબલ પર બેસીને વાતચીત કરવી જોઈતી હતી. ધમકીઓ આપવાને બદલે બંને પક્ષોએ લવચીક અભિગમ અપનાવવાની જરૂર હતી.'
બોર્ડમાં પાકિસ્તાન એકલું પડ્યું
એહસાન મણિના જણાવ્યા મુજબ, ICC બોર્ડ દ્વારા કોઈ પણ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે, ત્યારે તે સામાન્ય રીતે સર્વસંમતિથી લેવાય છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાન એકલું પડી ગયું છે. PCB ને લાગે છે કે બોર્ડના નિર્ણયો રાજકીય રીતે પ્રેરિત અથવા અન્યાયી છે, જેના કારણે આ ટકરાવ ઉભો થયો છે.
બેક-ચેનલ વાટાઘાટો શરૂ
પાકિસ્તાન સરકારના બહિષ્કારના એલાન બાદ હવે ICC અને PCB વચ્ચે ઔપચારિક વાટાઘાટોનો દોર શરૂ થયો છે. ક્રિકેટના આ મેચને બચાવવા માટે મધ્યસ્થી કરવામાં આવી રહી છે. જોકે, 15મી ફેબ્રુઆરીની મેચ રમાશે કે કેમ? તે અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.


