For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતની ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમમાં બુમરાહનું સ્થાન લેવા માટે શમી ફેવરિટ

- કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માનો ઈશારો

- ભારતે પસંદ કરેલા રિઝર્વ પ્લેયર્સમાં મોહમ્મદ શમી અને દીપક ચાહર ફાસ્ટ બોલર છે

Updated: Oct 5th, 2022

Article Content Imageબેંગાલુરુ, તા.૫

ભારતની ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ ફાસ્ટ બોલર બુમરાહ ઈજાગ્રસ્ત બનીને આઇસીસીની મેગા ઈવેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે તેનું સ્થાન લેવા માટે અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફેવરિટ મનાય છે. સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની ત્રીજી અને આખરી ટી-૨૦ બાદ ભારતીય ટીમના કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ ઈશારો કર્યો હતો કે, તેમની પહેલી પસંદ શમી જ રહેશે.

દ્રવિડે સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦ શ્રેણી બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારે બુમરાહને સ્થાને કોને ટીમમાં સામેલ કરવો તેનો નિર્ણય ૧૫મી ઓક્ટોબર સુધીમાં કરવાનો છે. શમી સ્વાભાવિક રીતે જ સ્ટેન્ડબાય પ્લેયર્સમાં સામેલ છે. તે શ્રેણીમાં રમી ના શક્યો તે દુર્ભાગ્યપૂર્ણ રહ્યું હતુ. તે હાલમાં એનસીએમાં છે અને તે રિકવરી પર છેે. તેના રિપોર્ટ જોયા બાદ અને તેની સાથે વાતચીત કર્યા બાદ પસંદગીકારો કોઈ નિર્ણય લેશે.

દરમિયાનમાં કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમારે સ્વાભાવિક રીતે જ ટીમમાં એવા ખેલાડીને સામેલ કરવો છે કે જેની પાસે અનુભવ હોય. જેણે ઓસ્ટ્રેલિયામાં બોલિંગ કરી હોય. પછી જોઈએ કે તે ટીમને કેેવી રીતે ઉપયોગી બની શકે છેે.

શમી અગાઉ બે વાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનારી ભારતીય ટીમમાં સામેલ રહ્યો છે. તેણે વન ડે વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો અને તેમાં જે સૌથી વધુ વિકેટ ઝડપવામાં ટોચ પર રહ્યો હતો. અલબત્ત શમી ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર એકમાત્ર ટી-૨૦ રમ્યો છેે.

ટીમમાં સામેલ દીપક ચાહર ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ત્રણ ટી-૨૦ રમ્યો છે. જોકે તે ઓસ્ટ્રેલિયામાં અન્ય ફોર્મેટમાં રમ્યો નથી. શમીનો આઇપીએલનો રેકોર્ડ પણ પ્રભાવશાળી છે. તેનો અનુભવ પણ દીપક કરતાં ચઢિયાતો છે અને આ જ કારણે તેને બુમરાહના અનુગામી તરીકે ફેવરિટ મનાય છે.

Gujarat