'એ ન ભૂલો કે આપણે કોહલી વગર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું', મહાન ભૂતપુર્વ ભારતીય વિકેટકીપરનું નિવેદન

IND VS ENG: શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતની નવી ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની આજથી શરૂઆત કરી દીધી છે. ત્યારે મહાન ભારતીય વિકેટકીપર અને 1983 વિશ્વ કપ જીતનારી ટીમના સદસ્ય સૈયદ કિરમાણીએ ભારતીય ટીમને ખાસ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ 1983 વિશ્વ કપની જીત અને 2020-21માં ઑસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સીરિઝથી પ્રેરણા લેવાની સલાહ આપી હતી.
કિરમાણીએ કહ્યું, "અમારી 1983ની જીત ટીમ માટે પ્રેરણા બને. ટીમ માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત દરેક ખેલાડીએ પોતાના પર વિશ્વાસ રાખવો જરૂરી છે. આ ટીમ ખૂબ સક્ષમ ટીમ છે. અમે એ વાત ભૂલી શકતા નથી કે જ્યારે અમે 2020-21ની સીરિઝમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, ત્યારે પહેલા ટેસ્ટ પછી કોહલી વગર આ ટીમ અડધી શક્તિશાળી હતી."

ઇંગ્લેન્ડમાં રમાતી ક્રિકેટ મેચોમાં સૌથી અનુભવી ક્રિકેટરોની પણ પરીક્ષા થાય છે. અનુભવી રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં ગિલનું નેતૃત્વ કેવુ રહેશે એ પણ જોવા જેવુ છે. આ બાબતે તેમણે કહ્યું ''આ વાત સ્પષ્ટ છે કે વિરાટ અને રોહિત બંને ક્રિકેટ ટીમના રોલ મોડેલ હતા. પણ તેમની જગ્યા રાતોરાત બદલવું અશક્ય છે, ખાસ કરીને એ જોઈને કે પહેલા પ્રવાસ પર ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં સુયોગ્ય થવું કેટલું મુશ્કેલ છે. પરંતુ અમારી પાસે ઇંગ્લેન્ડ સામે રમવાનો અનુભવ ધરાવતા ઘણા ખેલાડીઓ છે, જેમાં કપ્તાન ગિલ અને કે.એલ. રાહુલ સામેલ છે."
નોંધનીય છે કે ભારતે 2007થી ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ સીરિઝ જીતી નથી. ઇંગ્લેન્ડમાં પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ 2025-27 વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં ભારતની પહેલી ટેસ્ટ સીરિઝ છે.

