શું બુમરાહ વગર ભારતીય ટીમના જીતવાના ચાન્સ ઘટી જાય છે? આંકડા તમને પણ વિચારતાં કરી દેશે
Images Sourse: IANS |
Team India Stats With Jasprit Bumrah: ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે બે ટેસ્ટ મેચમાં 12 વિકેટ લીધી હતી, જેમાં બે વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. બુમરાહે ભારત માટે લીડ્સ અને લોર્ડ્સ ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યું હતું, તેને એજબેસ્ટન ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે 23મી જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાનારી ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં જસપ્રીત બુમરાહ રમશે કે નહીં તે હજુ નક્કી નથી. આ દરમિયાન એવા સવાલો થઈ રહ્યા છે કે, શું જસપ્રીત બુમરાહ વગર ભારતીય ટીમના ટેસ્ટમાં જીતવાના ચાન્સ ઘટી જાય છે?
જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે: ડેવિડ લોયડ
ઈંગ્લેન્ડ પ્રવાસમાં જસપ્રીત બુમરાહ દ્વારા રમાયેલી બે ટેસ્ટ મેચ ભારતીય ટીમ હારી ગઈ હતી. જ્યારે બુમરાહ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો, જ્યાં આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી અને ભારતે 336 રનથી જીત મેળવી હતી. હવે બુમરાહ અંગે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેમણે દાવો કર્યો છે કે, 'એવું કહેવાય છે કે જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે. બુમરાહ વિશ્વનો શ્રેષ્ઠ બોલર છે અને તે વ્યક્તિગત રીતે ખૂબ જ સારો છે.'
જસપ્રીત બુમરાહે રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 20 ટેસ્ટ મેચ જીતી
જસપ્રીત બુમરાહે ટેસ્ટ ડેબ્યૂ પાંચમી જાન્યુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા સામે કર્યું હતું. ત્યારથી ભારતીય ટીમ કુલ 74 ટેસ્ટ મેચ રમી છે. બુમરાહે આ 74 મેચોમાંથી 47 મેચ રમી છે. તેમણે રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 20 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમને 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બુમરાહ રમે છે ત્યારે જીતની ટકાવારી 42.55 રહી છે.
બીજી તરફ બુમરાહ જે 27 ટેસ્ટ મેચ નથી રમી તેમાંથી ભારતીય ટીમે 19 મેચ જીતી. જ્યારે ભારતીય ટીમને ફક્ત 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત 3 મેચ ડ્રો રહી. બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ટીમનો ટેસ્ટમાં વિજય ટકાવારી 70.37 રહી છે. આ આંકડા ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડના દાવાને મજબૂત દર્શાવ્યા છે.
ટેસ્ટમાં રેકોર્ડ કેવો છે?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું જસપ્રીત બુમરાહની વ્યક્તિગત સફળતા ટીમના પ્રદર્શનમાં ફાળો આપી શકતી નથી? બુમરાહનો ટેસ્ટમાં રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. બુમરાહએ અત્યાર સુધીમાં 47 ટેસ્ટ મેચોમાં 19.48 ની સરેરાશથી 217 વિકેટ લીધી છે. ટેસ્ટમાં 200થી વધુ વિકેટ લેનારા બોલરોમાં ફક્ત બુમરાહની સરેરાશ 20થી ઓછી છે. કોઈને તેની ક્ષમતા પર કોઈ શંકા નથી. પરંતુ એવું લાગે છે કે જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ટીમ તેના પર વધુ પડતી નિર્ભર થઈ જાય છે અથવા સાથી બોલરો તેને એટલો ટેકો આપતા નથી.