શુભમન ગિલ ફરી મુસીબતમાં, BCCIના નિયમના ઉલ્લંઘનનો આરોપ? જાણો શું છે મામલો
Shubman Gill Controversy: શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ટેસ્ટ મેચ 336 રનથી જીતી હતી. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની સીરિઝમાં 1-1થી બરાબર કરી લીધી છે. લીડ્સમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ દ્વારા કરવામાં આવેલા જબરદસ્ત વાપસીનો વાસ્તવિક હીરો કેપ્ટન શુભમન ગિલ હતો. પરંતુ આ દરમિયાન તે વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. તેમણે જ્યારે ભારતીય ટીમની બીજી ઇનિંગ જાહેર કરવા માટે ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેમણે અન્ય કંપનીના લોગોવાળા કપડા પહેર્યા હતા. આને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે.
જાણો શું છે મામલો
ભારતીય ક્રિકેટ ટીમનો સત્તાવાર કિટ સ્પોન્સર એડિડાસ છે (Adidas) અને BCCI સાથે તેનો કરાર માર્ચ 2028 સુધીનો છે. આ કરાર મુજબ, ભારતની પુરુષ ટીમ, મહિલા ટીમ અને તમામ વય જૂથોના ક્રિકેટ કિટ્સ એડિડાસ દ્વારા પ્રાયોજિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં, શુભમન ગિલ અન્ય કંપનીના લોગોવાળી કિટ પહેરીને આ કરારના ઉલ્લંઘનના દાયરામાં આવી શકે છે.
આ પણ વાંચો: બર્મિંઘમમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતના 5 ફેક્ટર, ગિલ-આકાશદીપ અને સિરાજ છવાયા
શુભમન ગિલની તસવીર અને વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે BCCI ગિલ સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં.
શુભમન ગિલની શાનદાર બેટિંગ
ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતની બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને રેકોર્ડ નોંધાવ્યો હતો. પહેલી ઈનિંગ્સમાં શુભમન ગિલે 30 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 269 રન બનાવ્યા હતા, જે તેનો શ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર હતો. બીજી ઇનિંગ્સમાં તેના બેટમાંથી 161 રન નીકળ્યા હતા. એટલે કે, આ મેચમાં શુભમનનો કુલ સ્કોર 430 રન હતો, જે ટેસ્ટમાં કોઈપણ ભારતીય બેટ્સમેન માટે સૌથી વધુ છે.