બર્મિંઘમમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતના 5 ફેક્ટર, ગિલ-આકાશદીપ અને સિરાજ છવાયા
India VS England 2nd Test: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ મેચ 336 રનથી જીતી લીધી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો લક્ષ્યાંક હતો, જેનો પીછો કરતા ઈંગ્લેન્ડ ટીમ બીજી ઈનિંગમાં 271 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીતને કારણે ભારતે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. ભારતીય ટીમની જીતમાં 5 ફેક્ટરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ગિલની શાનદાર કેપ્ટનશીપ અને શાનદાર બેટિંગ
કેપ્ટન શુભમન ગિલની બે સદીએ ભારતીય ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે પહેલી ઈનિંગમાં 269 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેમણે બીજી ઈનિંગમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને 161 રન બનાવ્યા. એટલે કે, આ મેચમાં શુભમનના બેટમાંથી 430 રન આવ્યા. શુભમન ગિલની કેપ્ટનશીપ પણ છેલ્લી મેચ કરતા સારી રહી.
આકાશ-સિરાજની શાનદાર બોલિંગ
ભારતીય ટીમ આ મેચ જસપ્રીત બુમરાહ વગર રમી હતી. પરંતુ તેની ગેરહાજરી આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ દ્વારા પૂરી કરવામાં આવી હતી. સિરાજે પહેલી ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં આકાશ દીપે 6 વિકેટ લીધી હતી. આકાશ દીપે પણ પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ લીધી હતી. એટલે કે તેમણે આ મેચમાં 10 વિકેટ લીધી હતી.
ફિલ્ડિંગમાં પણ સુધારો
લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ 8 કેચ છોડ્યા હતા. તે મેચની સરખાણીમાં આ મેચમાં ભારતીય ટીમનું મેદાનમાં પ્રદર્શન વધુ સારું રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કેટલીક તકો ગુમાવી, પરંતુ જ્યારે વિકેટ લેવાની વાત આવી ત્યારે ફિલ્ડરોએ બોલરોને સારો ટેકો આપ્યો અને આનું પરિણામ આ મેચમાં પણ જોવા મળ્યું હતુ.
ઈંગ્લેન્ડની નબળી બોલિંગ
ભારતીય ટીમે બંને ઇનિંગ્સમાં મળીને 1000થી વધુ રન બનાવ્યા, જેથી ઈંગ્લેન્ડ ટીમની બોલિંગમાં મુશ્કેલી પડી હતી. બીજી ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડના બોલરો ભારતીય ટીમના ડિક્લેરેશનની રાહ જોતા રહ્યા. જો ઈંગ્લેન્ડની ટીમે આ મેચમાં જોફ્રા આર્ચરને રમ્યો હોત, તો તે થોડો પ્રભાવ પાડી શક્યો હોત. જો કે, ઈંગ્લેન્ડે વિનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો.
જાડેજા-સુંદરનું ઓલરાઉન્ડ પ્રદર્શન
રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન ખૂબ શારૂ રહ્યું હતું. જાડેજાએ પહેલી ઈનિંગમાં 89 રન અને બીજી ઈનિંગમાં અણનમ 69 રન બનાવ્યા હતા. સુંદરે પહેલી ઇનિંગમાં 42 રન બનાવ્યા હતા. જાડેજા અને સુંદરે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં પણ 1-1 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની વિકેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી, જે સુંદરના બોલ પર LBW આઉટ થયો હતો. નોંધનીય છે કે, સીરિઝની ત્રીજી મેચ 10મી જુલાઈથી લંડનના લોર્ડ્સ મેદાન પર રમાશે.
ભારતે 58 વર્ષ બાદ જીત મેળવીને ઇતિહાસ રચ્યો
ભારતે પહેલીવાર બર્મિઘમના એજબેસ્ટન મેદાન પર ટેસ્ટ જીત હાંસલ કરી છે. આ પહેલા જે ભારતે આ મેદાન પર 8 મેચ રમી હતી, તેમાંથી સાતમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ ડ્રો ગઈ હતી. ભારતીય ટીમે આ મેદાન પર પહેલી ટેસ્ટ 1967માં રમી હતી, જેમાં ભારતની 132 રને હાર થઈ હતી. હવે ભારતે 58 વર્ષ બાદ જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.