ધોનીના ધુરંધરોને ટ્રેનિંગ આપવા સુરેશ રૈનાની થશે વાપસી? અટકળો પર CSKએ જુઓ શું જવાબ આપ્યો
Suresh Raina's Big Statement: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની હાલત જોઈને તમામ ક્રિકેટ એક્સપર્ટ હેરાન રહી ગયા છે. પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ ભલે છેલ્લી મેચ જીતી ગઈ હોય, પરંતુ તે સીઝનનો અંત પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 10મા સ્થાન પર રહીને કરશે. ટીમની બેટિંગ ખૂબ ચર્ચામાં રહી કારણ કે ચેન્નઈને ટાર્ગેટ ચેઝ કરતી વખતે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ બેટિંગ કોચ બનવાના સંકેત આપ્યો છે. જોકે, એની થોડી જ વારમાં ચેન્નઈ તરફથી પણ નિવેદન આવી ગયુ છે.
સુરેશ રૈનાએ આપ્યો સંકેત
ચેન્નઈ સુપર કિંગ્સે આગામી સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સુરેશ રૈનાએ સંકેત આપ્યો છે કે તેઓ બેકરૂમ સ્ટાફમાં ફેરફાર કરી શકે છે. ખાસ કરીને બેટિંગ કોચનું પદ જે હાલમાં ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી માઈકલ હસી સંભાળી રહ્યા છે. રવિવારે અમદાવાદમાં પોતાની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે કોમેન્ટ્રી કરતી વખતે રૈનાએ આ મોટો દાવો કર્યો હતો. આ અનુભવી ખેલાડીએ કહ્યું કે મારી પૂર્વ ફ્રેન્ચાઈઝી આગામી સિઝન માટે નવા બેટિંગ કોચ લાવવા પર વિચાર કરી રહી છે.
રૈનાના સાથી કોમેન્ટેટર આકાશ ચોપરાએ સંભવિત ઉમેદવારનું નામ જાણવાનો પ્રયાસ કર્યો. તેણે પૂછ્યું કે શું કોચના નામનો પહેલો અક્ષર 'S' છે. ત્યારબાદ રૈનાએ અફવાઓને વધુ વેગ આપતા જવાબ આપ્યો કે, 'તેણે સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે.' ત્યારબાદ આકાશ ચોપરાએ મજાકમાં કહ્યું, ચાલો થઈ ગયુ ભાઈ, તમે આ સૌથી પહેલા અહીં જ સાંભળ્યું.'
CSKએ જુઓ શું જવાબ આપ્યો
નોંધનીય છે કે રૈના પાસે CSK બેટ્સમેન તરફથી સૌથી ઝડપી પચાસ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે વર્ષ 2014માં માત્ર 16 બોલમાં આ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. આ ચર્ચા બાદ જ્યારે CSKના સહાયક બોલિંગ કોચ શ્રીધરન શ્રીરામને રૈનાના દાવા વિશે પૂછવામાં આવ્યું. તો તેણે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો. તેણે કહ્યું, 'મને નથી ખબર. મારે તેને પૂછવું પડશે કે શું તેણે એવું કહ્યું છે.'
CSKનું સૌથી ખરાબ પ્રદર્શન
CSKની આ સીઝન ભૂલવા લાયક જ રહી કારમ કે, IPLના ઇતિહાસમાં આ ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. CSK પહેલી વાર પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી. પાંચ વખતની ચેમ્પિયન ટીમ 14 મેચમાંથી માત્ર ચાર મેચ જ જીતી શકી અને આઠ પોઈન્ટ મેળવી શકી. તે સતત બીજી સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી. CSKની ઓક્શનની વ્યૂહરચના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે, ઈજાગ્રસ્ત ખેલાડીઓના સ્થાને લાવવામાં આવેલા તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ અને ડેવાલ્ડ બ્રેવિસને સીઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓના સ્થાન પર તક મળી હતી.
શ્રીરામને કહ્યું કે, 'આ મજબૂરીમાં કરવામાં આવેલા ફેરફારો છે. ઈજાઓ થઈ અને અમારે બદલાવ કરવો પડ્યો. અમારા માટે એ સૌભાગ્યની વાત છે કે જે લોકો આવ્યા તેમણે સારું પ્રદર્શન કર્યું. હું પાછળ જઈને એમ નહીં કહું કે ઓક્શનમાં અમે ભૂલ કરી.'