'હું ધ્રૂજી ગઈ હતી..', ધનશ્રી વર્માએ પહેલીવાર ચહલ સાથે ડિવોર્સ અંગે મૌન તોડ્યું
Dhanashree Verma on Divorce With Yuzvendra Chahal: કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ પહેલીવાર ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના પોતાના છૂટાછેડા વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે, જે દિવસે કોર્ટમાં અમારા સંબંધને સત્તાવાર રીતે પૂરો કરવામાં આવ્યો, તે દિવસ મારા માટે ખૂબ જ દુઃખદ અને ભાવનાત્મક હતો.
છૂટાછેડાના દિવસે શું થયું?
એક પોડકાસ્ટમાં વાત કરતાં ધનશ્રીએ જણાવ્યું કે, 'કોર્ટમાં જેવો નિર્ણય સંભળાવવાની વાત આવી, ત્યારે હું પોતાની જાતને સંભાળી ન શકી અને બધા સામે ખૂબ જ રડવા લાગી. હું અંદરથી તૂટી ગઈ હતી અને એ લાગણી હું ક્યારેય શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું. ચહલ તે સમયે કોર્ટમાંથી પહેલા જ બહાર નીકળી ગયો હતો અને હું સતત રડી રહી હતી.'
'શુગર ડેડી' ટી-શર્ટ વિવાદ પર પણ વાત
ધનશ્રીએ છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન થયેલા 'શુગર ડેડી' ટી-શર્ટ વિવાદ પર પણ વાત કરી હતી. કોર્ટમાં કાર્યવાહી સમયે યુઝવેન્દ્ર ચહલે એક ટી-શર્ટ પહેરી હતી જેના પર લખ્યું હતું કે 'બી યોર ઓન શુગર ડેડી' અને આ વાત પર ઘણો વિવાદ થયો હતો. જ્યારે ધનશ્રીને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે, 'આવી બાબતોનો દોષ હંમેશા મહિલા પર નાખી દેવામાં આવે છે.' તેણે મજાકમાં કહ્યું, 'ભાઈ, જો કંઈ કહેવું જ હતું તો વોટ્સએપ કરી દેવું હતું, ટી-શર્ટ પહેરવાની શું જરૂર હતી!'
છૂટાછેડા જેવી પરિસ્થિતિમાં સમજદારી બહુ જરૂરી
ધનશ્રીએ જણાવ્યું કે, 'છૂટાછેડા જેવી પરિસ્થિતિમાં સમજદારી બહુ જરૂરી છે. મેં હંમેશા અમારા પરિવારનું સન્માન જાળવી રાખવા માટે જાહેરમાં ક્યારેય કોઈ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા નથી. મારા મતે, સમાજમાં મહિલાઓને નાનપણથી શીખવવામાં આવે છે કે દરેક સંબંધને નિભાવવો જોઈએ અને કદાચ આ જ કારણ છે કે ઘણીવાર છૂટાછેડા જેવી ઘટનાઓ માટે મહિલાઓને જવાબદાર ઠેરવવામાં આવે છે.'
ચહલનો હંમેશા સાથ આપ્યો
ધનશ્રીએ એ પણ જણાવ્યું કે, 'લગ્ન જીવન દરમિયાન મેં દરેક નાના-મોટા પ્રસંગે ચહલનો સાથ આપ્યો હતો. પછી ભલે તેની ક્રિકેટ કરિયર હોય કે પર્સનલ પ્રોબ્લેમ્સ, મેં મારા પાર્ટનર માટે શક્ય તેટલા પ્રયાસો કર્યા. મારું માનવું છે કે સંબંધમાં લાગણીઓ અને જવાબદારીઓ બંને તરફથી નિભાવવી પડે છે અને કદાચ આ જ કારણે છૂટાછેડાના દિવસે મારું દર્દ બહાર આવી ગયું.'
ચહલ પણ આપી ચૂક્યો છે નિવેદન
આ પહેલા યુઝવેન્દ્ર ચહલે પણ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે મેં લાંબા સમય સુધી એક સુખી લગ્નજીવનનો દેખાડો કર્યો હતો, જ્યારે અંદરથી હું માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. આ તબક્કામાં સંતુલન જાળવી રાખવું મારા માટે સહેલું નહોતું.' ઉલ્લેખનીય છે કે 2020માં લગ્ન કરનાર આ કપલનું 2025માં છૂટાછેડા થઈ ગયા છે.