ICC મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઈસ કેપ્ટન
India Women ODI World Cup 2025 Squad: મહિલા વનડે વિશ્વ કપ 2025 માટે મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ અને સ્મૃતિ મંધાનાની વાઇસ કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ પહેલી વાર મહિલા વનડે વિશ્વ કપ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. જણાવી દઈએ કે, આ ટીમમાં રેણુકા સિંહ ઠાકુરની પણ વાપસી થઈ છે, જ્યારે શેફાલી વર્માને સ્થાન નથી મળ્યું.
ભારત-શ્રીલંકાના પાંચ શહેરમાં થશે મેચ
ભારત અને શ્રીલંકાની મેજબાની હેઠળ આ વર્ષે મહિલા વનડે વિશ્વ કપનું આયોજન થઈ રહ્યું છે. આ વિશ્વ કપની ટૂર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેની છેલ્લી મેચ 2 નવેમ્બરે રમાશે. વિશ્વકપની મેચો ભારત અને શ્રીલંકાના પાંચ શહેરોમાં રમાશે, જેમાં બેંગ્લોરનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ગુવાહાટીનું એસીએ સ્ટેડિયમ, ઇન્દોરનું હોલ્કર સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમનું એસીએ-વીડીસીએ સ્ટેડિયમ અને કોલંબોનું આર પ્રેમદાસા સ્ટેડિયમના નામો સામેલ છે.
આ વર્લ્ડકપની ટુર્નામેન્ટનું આયોજન 12 વર્ષ પછી ભારતમાં કરવામાં આવી રહ્યું છે. પહેલી સેમીફાઇનલની મેચ 29 ઑક્ટોબરે ગુવાહાટી કે કોલંબોમાં થશે, જ્યારે બીજી સેમીફાઇનલની મેચ 30 ઑક્ટોબરે બેંગ્લોરમાં રમાશે. ફાઇનલમાં પહોંચનારી બંને ટીમોને તૈયારીઓ માટે બે દિવસનો સમય મળશે. મહિલા વનડે વિશ્વકપની ફાઇનલ મેચ 2 નવેમ્બરે બેંગ્લોર કે કોલંબોમાં રમાશે.
ટુર્નામેન્ટમાં આઠ ટીમ રમશે
મહિલા વનડે વિશ્વ કપમાં આઠ ટીમો ભાગ લેશે, જેમાં ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમ સામેલ છે. જણાવી દઈએ કે વર્ષ 2022ની વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ચેમ્પિયન ટીમ બની હતી. ગયા વર્લ્ડકપનું આયોજન ન્યૂઝીલેન્ડમાં થયું હતું,જ્યાં ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપના ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.
જણાવી દઈએ કે ઑસ્ટ્રેલિયાએ સાત વાર વર્લ્ડકપ ચેમ્પિયનનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પહેલા મહિલ વર્લ્ડકપ 2025નું આયોજન માત્ર ભારતમાં થવાનું હતું પણ પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધ વધુ બગડી જવાથી આ વર્ષે વર્લ્ડકપના આયોજનમાં હાઇબ્રિડ મોડલને મંજૂરી આપવામાં આવી છે.
ભારતની મેચ
ભારતીય ટીમ શ્રીલંકા અને પાકિસ્તાન સાથે મેચ રમ્યા બાદ 9 ઑક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને 12 ઑક્ટોબરે વિશાખાપટ્ટનમમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે. ટીમ 19 ઑક્ટોબરે ઇન્દોરમાં ઇંગ્લેન્ડ સામે રમશે અને પછી 23 ઑક્ટોબરે ગુવાહાટીમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે.ભારતીય ટીમ 26 ઑક્ટોબરે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમશે.
મહિલા વિશ્વ કપ 2025 માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના(વાઇસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, રેણુકા સિંહ, અરુંધતિ રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચરાણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્નેહ રાણા. ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઑસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે.
ઑસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કપ્તાન),સ્મૃતિ મંધાના (ઉપકપ્તાન),પ્રતિકા રાવલ,હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર,અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, સયાલી સતઘરે, રાધા યાદવ,શ્રી ચરણી, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર)