Vijay Hazare Trophy: કર્ણાટકનો સ્ટાર બેટ્સમેન દેવદત્ત પડીક્કલ વિજય હઝારે ટ્રોફી 2025-26માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ડાબા હાથના આ બેટ્સમેને ફરી એકવાર પોતાના શાનદાર ફોર્મનો પુરાવો આપતા આજે ત્રિપુરા સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સદી ફટકારી છે.
ઓપનિંગ કરવા ઉતરેલા દેવદત્ત પડીક્કલે 120 બોલમાં 108 રન ફટકાર્યા છે, જેમાં 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ છે. લિસ્ટ A ક્રિકેટમાં પડીક્કલની આ 13મી સદી છે. પડીક્કલની સદીના દમ પર કર્ણાટકે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ પર ૩૩૨ રન બનાવ્યા છે.
વિજય હઝારે ટ્રોફીની વર્તમાન સીઝનમાં પડીક્કલે પાંચ ઈનિંગ્સ રમી છે, જેમાંથી ચારમાં તેણે સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે, પડીક્કલની અત્યાર સુધીની તમામ 13 લિસ્ટ-A સદી માત્ર વિજય હઝારે ટ્રોફીમાં જ આવી છે. આ સાથે જ તે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં ત્રીજો સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
તેણે આ મામલે કર્ણાટકના વર્તમાન કેપ્ટન મયંક અગ્રવાલ (12) ને પાછળ છોડી દીધો છે. વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં દેવદત્ત પડીક્કલથી આગળ હવે માત્ર અંકિત બાવને અને ઋતુરાજ ગાયકવાડ છે. આ ટુર્નામેન્ટમાં બાવનેએ 15 સદી ફટકારી છે અને ઋતુરાજે 14 સદી ફટકારી છે.
25 વર્ષીય દેવદત્ત પડીક્કલ વિજય હઝારે ટ્રોફી 2025-26માં પાંચ ઈનિંગ્સમાં 102.80ની એવરેજથી 514 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી સામેલ છે. તે વર્તમાન સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. પડીક્કલે ભારત માટે બે ટેસ્ટ મેચ અને બે T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં ટેસ્ટમાં 90 રન અને T20 ઈન્ટરનેશનલ મેચમાં 38 રન બનાવ્યા છે.
વિજય હઝારે ટ્રોફી 2025-26માં દેવદત્ત પડીક્કલ
147 રન vs ઝારખંડ, 24 ડિસેમ્બર, 2025, અમદાવાદ
124 રન vs કેરળ, 26 ડિસેમ્બર, 2025, અમદાવાદ
22 રન vs તમિલનાડુ, 29 ડિસેમ્બર, 2025, અમદાવાદ
113 રન vs પુડુચેરી, 31 ડિસેમ્બર, 2025, અમદાવાદ
108 રન vs ત્રિપુરા, 3 જાન્યુઆરી, 2026, અમદાવાદ


