Sports

ઓસ્ટ્રેલિયાની ટીમમાં દિલ્હીનો નિખિલ ચૌધરી ચમક્યો, ઓલરાઉન્ડર પરફોર્મન્સ દ્વારા મેચ જીતાડી

By GS Team
22 Nov 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં જન્મેલા નીખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની T20 મેચમાં તેણે 38 બોલમાં 66 રન અને 2 વિકેટ ઝડપી, 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો. 2020માં મિત્રના જન્મદિવસ માટે ઓસ્ટ્રેલિયા ગયેલો નીખિલ કોરોના મહામારીને કારણે ત્યાં જ રહી ગયો અને ક્લબ ક્રિકેટથી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો. તેના માતા-પિતા પણ આ ખાસ ક્ષણના સાક્ષી બનવા ભારતથી પહોંચ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્ટ્રેલિયાની ટીમમાં દિલ્હીનો નિખિલ ચૌધરી ચમક્યો, ઓલરાઉન્ડર પરફોર્મન્સ દ્વારા મેચ જીતાડી

Nikhil Chaudhary Australia Cricketer : દિલ્હીમાં જન્મેલા નીખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી રમતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં નીખિલે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 38 બોલમાં 66 રન બનાવ્યા હતા અને બે વિકેટ પણ ઝડપી હતી. તેના આ પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ત્રણ વિકેટે હરાવ્યું હતું. નીખિલને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

21 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાયેલી આ મેચ નીખિલ માટે ખાસ રહી હતી. પહેલીવાર તેના માતા-પિતા તેને ઓસ્ટ્રેલિયા તરફથી રમતો જોવા ભારતથી ખાસ પહોંચ્યા હતા. માતા-પિતાની હાજરીમાં પ્લેયર ઓફ ધ મેચ બનવું તેના માટે યાદગાર ક્ષણ બની રહી હતી. નીખિલે કહ્યું હતું કે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે દિલ્હીની સફર તેને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી પહોંચાડશે.

ઈંગ્લેન્ડ સામે બેટિંગ અને બોલિંગમાં કમાલ

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 188 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. સેમ હાર્પરે 32 રન બનાવી સારી શરૂઆત અપાવી હતી. ત્યારબાદ ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા નીખિલે મિચેલ માર્શ સાથે 37 રનની અને ટિમ ડેવિડ સાથે 20 રનની ઉપયોગી ભાગીદારી કરી હતી. નીખિલે 38 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ જેક એડવર્ડ્સે એક બોલ બાકી રહેતાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. બોલિંગમાં પણ નીખિલે અસર છોડી હતી. તેણે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક (65) અને સેમ કરન (21)ની વિકેટ ઝડપી હતી.

2020માં મિત્રના જન્મદિવસ માટે ઓસ્ટ્રેલિયા ગયો, ત્યાં જ રહી ગયો

નીખિલ ચૌધરીની ઓસ્ટ્રેલિયા પહોંચવાની કહાની પણ રસપ્રદ છે. તેના પિતા સ્નેહ ચૌધરીના જણાવ્યા અનુસાર, માર્ચ 2020માં નીખિલ મિત્રનો જન્મદિવસ ઉજવવા અને રજાઓ ગાળવા ઓસ્ટ્રેલિયા ગયો હતો. 14થી 16 માર્ચની આસપાસ તેને એરપોર્ટ પર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં કોરોના મહામારી ફેલાઈ અને નીખિલ ઓસ્ટ્રેલિયામાં જ રહી ગયો. શરૂઆતમાં પરિવાર તેના નિર્ણયને લઈને ચિંતિત હતો. નીખિલ પંજાબની વયજૂથની ટીમો તરફથી રમી ચૂક્યો હતો. તે શુભમન ગિલ, અભિષેક શર્મા અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ સાથે પણ ક્રિકેટ રમી ચૂક્યો હતો. પરિવાર ઇચ્છતો હતો કે તે ભારતમાં જ ઘરેલુ ક્રિકેટમાં પોતાની કારકિર્દી આગળ વધારે, પરંતુ નીખિલને ઓસ્ટ્રેલિયામાં પોતાની ક્ષમતા પર વિશ્વાસ હતો.

રેસ્ટોરન્ટમાં નોકરી કરી, ક્લબ ક્રિકેટથી બનાવી ઓળખ

ઓસ્ટ્રેલિયામાં શરૂઆતના દિવસોમાં નીખિલ ટાઉન્સવિલેમાં તેના કાકા સાથે રહ્યો હતો. ત્યારબાદ ક્રિકેટની વધુ સારી તકો મેળવવા બ્રિસ્બેન ગયો. ત્યાં તેણે સધર્ન સબર્બ્સ અને નોર્ધર્ન સબર્બ્સ ક્લબ માટે ક્રિકેટ રમ્યું હતું. આ દરમિયાન પોતાનો ખર્ચ કાઢવા માટે તેણે મેક્સિકન રેસ્ટોરન્ટમાં પાર્ટટાઇમ નોકરી પણ કરી હતી. નીખિલે શરૂઆતમાં મીડિયમ પેસ બોલિંગ કરી હતી. ત્યારબાદ ઓફ સ્પિન અપનાવી અને ઓસ્ટ્રેલિયામાં રમતી વખતે લેગ સ્પિનર તરીકે પણ પોતાની જાતને વિકસાવી હતી. બેટિંગમાં પણ તેણે અલગ-અલગ ક્રમે રમવાની ક્ષમતા બતાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે તેણે પાંચ વર્ષની રેસિડેન્સી અવધિ પૂર્ણ કરવી પડી હતી. આ દરમિયાન તેણે ક્લબ ક્રિકેટ ઉપરાંત બિગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેન્સ અને તાસ્માનિયા તરફથી રમીને ઓળખ બનાવી હતી. તે ધ હન્ડ્રેડ, કેરેબિયન લીગ અને મેજર લીગ ક્રિકેટમાં પણ રમી ચૂક્યો છે.

પિતાનું સપનું: IPLમાં રમે અથવા ભારત સામે ઓસ્ટ્રેલિયાની જર્સીમાં ઉતરે
નીખિલના પિતા સ્નેહ ચૌધરી હવે ઇચ્છે છે કે તેમનો દીકરો IPLમાં રમે. તેમનું બીજું સપનું છે કે નીખિલ એક દિવસ ઓસ્ટ્રેલિયાની જર્સી પહેરીને ભારત સામે મેદાનમાં ઉતરે. નીખિલનું પણ આગામી સપનું ભારતની ધરતી પર ઘરેલુ દર્શકોની સામે ક્રિકેટ રમવાનું છે.