'ધોનીને કેપ્ટન બની રહેવું છે, તે માત્ર બહારથી જ દેખાડો કરે છે...' દિગ્ગજ વિન્ડિઝ ક્રિકેટરે ભડાસ કાઢી
IPL 2025: પંજાબ કિંગ્સ સામે પરાજય થતા જ ચેન્નાઈ સુપર કિંગ્સ આઈ.પી.એલ.ની પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ ધોની અને હેડ કોચ ફલેમિંગે મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર્યાબાદ કહ્યું કે, 'અમે જરાપણ નિરાશ નથી થયા. હવે અમે બાકીની મેચો આગામી સીઝનની તૈયારી કરીએ છીએ. યુવા અથવા જે ખેલાડીઓને તક નથી આપી તેઓને રમાડીશું. અમારી ટીમની યોગ્ય સમતુલા કઈ રીતે થાય છે તે જોઈશું.' ફલેમિંગે કબૂલ્યું કે, હરાજીમાં ખેલાડીઓની ખરીદી કરવામાં અમે ભૂલ કરી હતી તેમ હવે લાગે છે.'
ડેરેન ગંગાની નીડરતા
ચેન્નાઈ સુપર કિંગ્સની આવી હાલત છે ત્યારે વેસ્ટ ઈંડિઝના પૂર્વ બેટર ડેરેન ગંગાએ કહ્યું છે કે, 'ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેનેજમેન્ટની પર નવાઈ લાગે છે. 2008માં એમ.એસ ધોનીની કેપ્ટન્સી હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલનો પ્રથમ સીઝનમાં પ્રારંભ કર્યો હતો તે જ આજે પણ તેઓ 17 વર્ષ પછી તેઓનો કેપ્ટન છે.'
તેમણે કહ્યું કે, 'આઈપીએલ 2022ની સીઝનમાં રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યા હતા. પરંતુ તેનો તે અનુકૂળ ન લાગતા ચાલુ સીઝનમાં જ તેણે કેપ્ટન્સી છોડી દીધી અને ફરી ધોનીએ કેપ્ટન્સી સંભાળી. ત્યારબાદની સીઝનમાં ૠતુરાજ ગાયકવાડ કેપ્ટન જાહેર થયો અને તે હાલની સિઝનમાં ઈજાગ્રસ્ત થતા ફરી ધોનીને કેપ્ટન્સી સોંપાઈ.'
નવા કેપ્ટનને તક આપવા ડેરેન ગંગાએ કહ્યું કે, 'એક તરફ ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ અને મેનેજમેન્ટ એમ કહે કે હવે યુવા પ્રતિભાને તક આપીશું પણ નવાઈની વાત એ છે કે તેઓ કોઈ યુવા નવા કેપ્ટનને તક આપવા નથી માંગતા. ધોની કે જે બે આઈપીએલની સીઝન વચ્ચે કોઈ ક્રિકેટ જ નથી રમવાનો તે જાણવા છતાં ધોની જ કેપ્ટન તરીકે જારી રખાય છે.' ગંગાની વાત સાચી છે કેમ કે ધોની ઈજા અને વધતી વયને કારણે પ્રદાન નથી આપતો.
આ પણ વાંચો: RTE હેઠળ એડમિશન કરાવવા આવતા વાલીઓ પાસેથી વધારાના દસ્તાવેજ ન માગશો, સરકારનો આદેશ
તેમણે કહ્યું કે, 'ટીમમાં એક રેગ્યુલર ખેલાડી કે જે તેના કરતા વઘુ સારો દેખાવ કરી શકે, તેનું સ્થાન ધોની પોતે રોકીને ટીમના કોમ્બિનેશનમાં નુકશાન કરે છે તો પણ તે ધરાર ટીમમાં સ્થાન જાળવે છે. ચેન્નાઈએઁ જાડેજા કે ગાયકવાડ કેપ્ટન તરીકે અનફીટ જાહેર થાય ત્યારે કોઈ બીજા યુવા કેપ્ટનને જવાબદારી સોંપવી જોઈએ. ધોની પોતે જ કેમ કેપ્ટન્સી સામે ચાલીને નથી છોડતો. કોહલી, રોહિત શર્માના સ્થાને યુવા કેપ્ટનો ફ્રેન્ચાઈઝીઓ રાખ્યા જ છે ને.'
ડેરેન ગંગાએ કહ્યું કે, 'આવતી સીઝનમાં ધોની રમવાનો છે કે નહીં તે છેક સુધી ખબર જ ન હોય અને મેનેજમેન્ટ કેપ્ટન કોણ હશે તેની અનિશ્ચિતતા વચ્ચે જ ટીમનું નવઘડતર કરે તે કેવું. જો આ જ રીતે ધોનીને કેન્દ્રમાં રાખી ચેન્નાઈ ટીમ તૈયાર કરશે તો પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય જ્યાં છે ત્યાં જ ફરી આવી જવાનું રહેશે. ધોની અને ટીમ મેનેજમેન્ટ બતાવે છે એમ કે તેને કેપ્ટન બનવાની પડી નથી પણ અંદરખાનેથી તેવી મહત્વકાંક્ષા લાગે છે.'