RTE હેઠળ એડમિશન કરાવવા આવતા વાલીઓ પાસેથી વધારાના દસ્તાવેજ ન માગશો, DEOનો આદેશ
Gujarat RTE: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 2025-26ના વર્ષ માટે પ્રથમ રાઉન્ડના પ્રવેશની ફાળવણી સરકાર દ્વારા કરી દેવામા આવી છે. ત્યારે બાળકોના પ્રવેશ કન્ફર્મેશન માટે જતા વાલીઓ પાસેથી ખોટા કે વધારાના કોઈ પણ દસ્તાવેજ ન માંગવા માટે શાળાઓને આદેશ કરવામા આવ્યો છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન કનેક્શન મામલે વધુ તપાસ કરવા અમરેલીના મૌલાનાને અમદાવાદ લવાયો
બિનજરૂરી ડોક્યુમેન્ટ નહીં માંગવાના
અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ ખાનગી શાળાઓને આરટીઈના પ્રવેશને લઈને પરિપત્ર કરવામા આવ્યો છે અને સૂચના આપવામા આવી છે કે, આરટીઈમાં જેટલા બાળકોને પ્રવેશ ફાળવાયો છે તેટલા બાળકોના વાલીઓ સ્કૂલમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે આવે ત્યારે તેઓ પાસેથી જરૂર હોય તેટલા જ ડોક્યુમેન્ટની ઓરિજનલ કોપી માંગવામા આવે. એડમિટ કાર્ડમાં જણાવ્યા સિવાયના વધારાના કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ કે દસ્વાતેજ વાલી પાસેથી માંગવામા ન આવે. બાળકોને પ્રવેશ આપી દેવાની કાર્યવાહી 8મી મે સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રવેશ કન્ફર્મ થતા વાલીને ફરજીયાત પહોંચ આપવાની રહેશે.
આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, ગાંધીનગરથી 27 કિ.મી. દૂર કેન્દ્ર
ખોટા ડોક્યુમેન્ટ માંગશે તો કાર્યવાહી કરાશે
જો બાળકનો પ્રવેશ થયો હશે અથવા તો વાલીએ કન્ફર્મ કરાવ્યો હશે અને જો સ્કૂલે એડમિટ કરવાની કાર્યવાહી નહીં કરી હોય તો તે જગ્યા ખાલી સમજી બીજા રાઉન્ડમાં તેના પર બીજા વિદ્યાર્થીને પ્રવેશ અપાશે. જેથી એક જ જગ્યા પર બે વિદ્યાર્થીના પ્રવેશ થશે તો જવાબદારી સ્કૂલની રહેશે અને જો સ્કૂલ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ મંગાશે તો પણ સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.