CSKનો મોટો દાવ: 14.2 કરોડના ખેલાડીને કરશે રિલીઝ? મિની ઓક્શન પહેલાં વ્યૂહનીતિમાં મોટો ફેરફાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2027 News : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2027)ની નાની હરાજી પહેલા પાંચ વખત ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. ફ્રેન્ચાઈઝી પોતાના બે સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એકને રિલીઝ કરવા પર વિચાર કરી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશના 20 વર્ષીય ઓલરાઉન્ડર પ્રશાંત વીરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
બંને ખેલાડીઓ પર સમાન ખર્ચ પણ પ્રદર્શનમાં મોટો તફાવત
ગયા વર્ષે અબુ ધાબીમાં યોજાયેલી હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રશાંત વીર અને રાજસ્થાનના વિકેટકીપર-બેટ્સમેન કાર્તિક શર્મા બંનેને 14.2 કરોડ રૂપિયાની સમાન રકમ ચૂકવીને ટીમમાં સામેલ કર્યા હતા. જોકે, મેદાન પર બંને ખેલાડીઓના દેખાવમાં મોટો તફાવત જોવા મળ્યો હતો.
પ્રશાંત વીરનું નબળું પ્રદર્શન
ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ગત સિઝનમાં 6 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 5 ઇનિંગ્સમાં માત્ર 90 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 43 રન તેનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો હતો, જ્યારે બોલિંગમાં તેને એક પણ વિકેટ મળી નહોતી. ભારે કિંમત સામે આ પ્રદર્શન અપેક્ષા મુજબનું ન હોવાથી ટીમ મેનેજમેન્ટ નિરાશ જણાય છે.

કાર્તિક શર્માનું શાનદાર પ્રદર્શન
બીજી તરફ, 20 વર્ષીય કાર્તિક શર્માએ પોતાની ડેબ્યૂ સિઝનમાં પ્રભાવશાળી રમત બતાવી હતી. તેણે 11 મેચમાં 32.77ની એવરેજથી 295 રન ફટકાર્યા હતા, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે 71 રનની શાનદાર ઈનિંગ્સ સામેલ હતી. મિડલ ઑર્ડરમાં તેના ભરોસાપાત્ર પ્રદર્શનને જોતાં CSK તેને ટીમમાં જાળવી રાખે તેવી પૂરી શક્યતા છે.
પર્સ વધારવા માટે ખેલાડીને રિલીઝ કરવાની રણનીતિ
ચેન્નાઈએ હજુ સુધી કોઈ ખેલાડી અંગે આખરી નિર્ણય લીધો નથી. રિપોર્ટ મુજબ, ટીમ પ્રશાંત વીરને સાવ ગુમાવવા નથી માગતી, પરંતુ ડિસેમ્બરમાં યોજાનારી હરાજી માટે પોતાની પાસે રહેલું ફંડ વધારવા માગે છે. અત્યારે CSKના પર્સમાં 2.4 કરોડ રૂપિયા બચ્યા છે, જે નિયમ મુજબ વાર્ષિક 5 કરોડ રૂપિયાના વધારા પછી 7.4 કરોડ રૂપિયા થશે. હરાજી માટે વધુ રકમ એકઠી કરવા ટીમ પ્રશાંત વીરને રિલીઝ કરી શકે છે અને ત્યાર બાદ હરાજીમાં ઓછા ભાવે તેને ફરી ખરીદવાનો પ્રયાસ કરી શકે છે.




