ચેન્નઈ સુપર કિંગ્સમાં ધરમૂળથી ફેરફારના અણસાર! આ 6 ખેલાડીઓનું કપાઈ શકે પત્તું
Chennai Super Kings: ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તે ઓફિશિયલી IPL 2025માંથી બહાર થઈ ગઈ છે. CSKએ આ સિઝનમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે અને 10 માંથી માત્ર 2 મેચ જીતી શક્યું છે. ચેન્નઈના આ શરમજનક પ્રદર્શન પાછળ ઘણા ખેલાડીઓનો હાથ હતો, જેમના પર ફ્રેન્ચાઇઝીએ વિશ્વાસ વ્યક્ત કર્યો અને પૈસા ખર્ચ કર્યા. પરંતુ તે અપેક્ષાઓ પર ખરા ન ઉતર્યા. પરિણામ એ આવ્યું કે CSK અત્યાર સુધીમાં પોતાની પ્લેઈંગ-11 પણ યોગ્ય રીતે નક્કી નથી કરી શક્યું. આવી સ્થિતિમાં ઘણા ખેલાડીઓ પર તલવાર લટકી રહી છે અને ટીમમાં ધરમૂળથી ફેરફાર થવાના અણસાર છે. એટલે કે તે કેટલાક ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. ચાલો જાણીએ કે આ ખેલાડીઓ કોણ હોઈ શકે છે?
આર અશ્વિન
આર અશ્વિનને ખરીદવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સે મેગા ઓક્શનમાં 9.75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ સિઝનમાં તે CSKનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે. પરંતુ અશ્વિન પોતાના કદ અને અનુભવ પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો. તે ચેન્નાઈની અપેક્ષાઓ પર ખરો ન ઉતરી શક્યો, જેના પરિણામે તે મોટાભાગની મેચોથી બહાર રહ્યો. તે દરેક મોરચે નિષ્ફળ ગયો. આ સિઝનમાં અશ્વિને 9.29ના ઈકોનોમીથી રન આપ્યા છે. તે 44.60ની એવરેજથી માત્ર 5 વિકેટ લઈ શક્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. આવી સ્થિતિમાં તેને આગામી સિઝનમાં રિલીઝ કરવામાં આવી શકે છે.
દીપક હૂડા
દીપક હૂડા મિડલ ઓર્ડરમાં ટીમને સંભાળવાની સાથે પાવર હિટિંગ માટે જાણીતો છે. મેગા ઓક્શનમાં CSKએ તેને 1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તેને પણ આગામી સિઝનમાં ટીમમાંથી રિલીઝ કરવામાં આવી શકે છે. તેનું કારણ તેનું નિરાશાજનક પ્રદર્શન છે. આ સિઝનમાં તે ટીમ માટે બોજ સાબિત થયો છે. IPL 2025માં દીપક હૂડાનો સ્ટ્રાઈક રેટ માત્ર 75.61 રહ્યો છે. તે વર્તમાન સિઝનનો સૌથી ધીમો બેટ્સમેન છે. તેણે 5 ઈનિંગ્સમાં માત્ર 6.20ની એવરેજથી માત્ર 31 રન બનાવ્યા છે, જેના કારણે ચેન્નઈનો મિડલ ઓર્ડર નિષ્ફળ ગયો.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 35 ખેલાડીઓની યાદી તૈયાર, અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરનું નામ નહીં
વિજય શંકર
ચેન્નઈ સુપર કિંગ્સે વિજય શંકરને પણ મિડલ ઓર્ડર સંભાળવા માટે ખરીદ્યો હતો. પરંતુ તે પણ આ રોલમાં ખરાબ રીતે ફ્લોપ ગયો. શંકરે આ સિઝનમાં 6 મેચમાં 39ની એવરેજથી 118 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 129 રહ્યો છે, જે હાલમાં રમાઈ રહેલા T20 ક્રિકેટ કરતા ઘણો ધીમો છે. જોકે તેણે કેટલાક રન ચોક્કસ બનાવ્યા છે, પરંતુ તેની ધીમી ગતિને કારણે ટીમને કોઈ ફાયદો ન થયો. CSKએ તેને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તેનું પણ ટીમમાંથી પત્તું કપાઈ શકે છે.
રાહુલ ત્રિપાઠી
રાહુલ ત્રિપાઠી પાવરપ્લેમાં આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેની પાસે IPLનો સારો અનુભવ છે. પરંતુ આ સિઝનમાં તે પોતાનો દમ ન દેખાડી શક્યો. ટોપ ઓર્ડરમાં તે ટીમને ઝડપી શરૂઆત આપવામાં નિષ્ફળ ગયો. ત્રિપાઠીએ IPL 2025માં માત્ર 96.49ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી અને તેનાથી વિપરિત તેણે ઈનિંગ્સ ધીમી કરીને મોમેન્ટમ તોડવાનું કામ કર્યું.
આ ઉપરાંત તેની એવરેજ માત્ર 11ની જ રહી હતી, જેનો અર્થ એ થયો કે તે સતત સસ્તામાં આઉટ થતો રહ્યો છે. CSK માટે રાહુલ ત્રિપાઠીએ 57 બોલમાં 55 રન બનાવ્યા છે. જોકે, એ વાત સાચી છે કે તેની બેટિંગ પોઝિશન સતત બદલાતી રહી છે, જેની તેના પ્રદર્શન પર પણ અસર પડી છે. CSKએ તેને 3.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને હવે તેનું ટીમમાંથી પત્તું કપાઈ શકે છે.
ડેવોન કોનવે
ડેવોન કોનવે લાંબા સમયથી CSKની ટીમનો ભાગ રહ્યો છે. તેણે ટીમને ઘણી મેચો જીતાડી છે, પરંતુ આ સિઝનમાં તે પણ ફોર્મમાં નહોતો. કોનવે હાલમાં કોઈ ઈમરજન્સીના કારણે ઘરે પરત ફર્યો છે. પરંતુ ઘરે જતા પહેલા તેણે 3 મેચ રમી જેમાં તેણે માત્ર 127ના સ્ટ્રાઈક રેટ સાથે 94 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં તેની ધીમી ઈનિંગ્સ ટીમને મોંઘી પડી છે. આવી સ્થિતિમાં કોનવેને પણ રિલીઝ કરી શકાય છે. CSKએ તેને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તે ટીમના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે.
મુકેશ ચૌધરી
લેફ્ટી ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી આખી સિઝન દરમિયાન સંઘર્ષ કરતો જોવા મળ્યો. તેણે ઘણા રન આપ્યા છે. ખાસ કરીને ડેથ ઓવરોમાં તેની બોલિંગે CSKને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. છેલ્લી ઓવરોમાં તેની ઈકોનોમી 11.83ની રહી છે, જેના કારણે ટીમ ઘણી મેચ હારી ગઈ છે. તેણે ડેથ ઓવરોમાં 12 બોલ ફેંક્યા પણ તેને કોઈ વિકેટ ન મળી. બીજી તરફ દબાણમાં યોર્કર અને ધીમા બોલ ફેંકવામાં પણ તે નિષ્ફળ રહ્યો છે. હવે તેનું પણ ટીમમાંથી પત્તું કપાઈ શકે છે.