Get The App

'હારની જવાબદારી બધાની પણ સૌથી પહેલા..', દ.આફ્રિકા સામે પરાજય બાદ ગંભીરનું નિવેદન

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
'હારની જવાબદારી બધાની પણ સૌથી પહેલા..', દ.આફ્રિકા સામે  પરાજય બાદ ગંભીરનું નિવેદન 1 - image


Gautam Gambhir Reaction on Lose Test Series vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે મેચનો છેલ્લો દિવસ હતો ત્યારે ભારત સામે 549 રનનું લક્ષ્ય હતું.  જેને ચેઝ કરવામાં જ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઇ ગયો હતો. 5મા દિવસની રમતની શરૂઆત થતાં જ ઉપરા છાપરી વિકેટો પડી  જતાં ટીમ ઈન્ડિયા ધરાશાયી થઈ ગઇ હતી અને 140 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં 408 રને હાર સાથે સીરિઝ પણ ગુમાવી દીધી છે. હવે દક્ષિણ આફ્રિકા સામે કારમા પરાજય બાદ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે. 

હારની જવાબદારી બધાની છે પણ સૌથી પહેલા મારી: ગૌતમ ગંભીર

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની સીરિઝમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. કોલકાતામાં ભારતે પ્રથમ મેચ ત્રીજા દિવસે 30 રનથી હારી ગઈ હતી અને પછી ગુવાહાટીમાં બીજી મેચ 408 રનથી હારી ગઈ. ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ ભારતની સૌથી મોટી હાર છે. દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષમાં ભારતમાં પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતી છે. હવે દક્ષિણ આફ્રિકા સામે સૂપડા સાફ થઈ ગયા બાદ ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર આગળ આવ્યા છે. તેમણે કહ્યું કે, 'હારની જવાબદારી બધાની છે પણ સૌથી પહેલા મારી છે.'

તમારે યુવા ખેલાડીઓને સમય આપવો પડશે

વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓની ટેસ્ટ નિવૃત્તિ બાદ ભારતીય ટીમ ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહી છે. હેડ કોચે કહ્યું કે, 'મેં પહેલા પણ કહ્યું હતું કે, મને ટ્રાન્જિશન શબ્દથી નફરત છે અને હું અહીં બહાના બનાવવા માટે નથી આવ્યો. ટ્રાન્જિશન વાસ્તવમાં આ જ છે. યુવા ખેલાડીઓ શીખી રહ્યા છે. તમારે તેમને સમય આપવો પડશે. ભારતે આ વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જેવી ટુર્નામેન્ટ જીતી છે. ભારતે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ ડ્રો કરી. હું એ જ વ્યક્તિ છું જેના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું, ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને એશિયા કપ જીત્યો.'

મારા ભવિષ્યનો નિર્ણય BCCIએ કરવાનો છે

ગંભીરે આગળ કહ્યું કે, 'આપણે વધુ સારું રમવાની જરૂર છે. 95 રનમાં 1 વિકેટથી 122 રનમાં 7 વિકેટનો સ્કોર મંજૂર નથી. દોષ તો મારા સહિત બધાનો છે.  ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તમારે સૌથી ઘાતક અને ટેલેન્ટેડ ક્રિકેટરોની જરૂર નથી. આપણને સ્કિલ્સ ધરાવતા મજબૂત ખેલાડીઓની જરૂર છે. મારા ભવિષ્યનો નિર્ણય BCCIએ કરવાનો છે, પણ હું એ જ માણસ છું જેણે ઈંગ્લેન્ડમાં તમને પરિણામો અપાવ્યા અને ચેમ્પિયન્સ ટ્રોફીનો કોચ હતો.'

ગંભીરે વધુમાં કહ્યું કે, 'ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપવાનું શરૂ કરો અને દરેકે તેમાં ભાગ લેવો પડશે. તેને સાકાર કરવા માટે આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે.'

આ પણ વાંચો: IND vs SA: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય, દ.આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઈટ વૉશ

ભારત ઘરઆંગણે પાંચ ટેસ્ટ હાર્યું

હેડ કોચ ગૌતમ ગંભીરની લીડરશિપમાં ભારત હવે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટ હારી ચૂક્યું છે. 66 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ટીમે સાત મહિનાના સમયગાળામાં પાંચ ટેસ્ટ હારી છે.

આવી રહી મેચ

પહેલી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 489 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે દ.આફ્રિકાએ બીજી ઇનિંગમાં 206/5 પર દાવ ડીક્લેર કરીને ટીમ ઈન્ડિયાને 549 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 140 રનમાં ધરાશાયી થઈ ગઇ હતી. જાડેજા સિવાય કોઈ બેટર દ.આફ્રિકાના બોલર્સ સામે ટકવામાં સફળ રહ્યો નહોતો. 

Tags :