Get The App

ચેતેશ્વર પૂજારાનું કરિયર શાહરુખ ખાને બચાવ્યું હતું, નહીંતર ભારતીય ટીમને ન મળ્યો હોત દિગ્ગજ બેટર

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
ચેતેશ્વર પૂજારાનું કરિયર શાહરુખ ખાને બચાવ્યું હતું, નહીંતર ભારતીય ટીમને ન મળ્યો હોત દિગ્ગજ બેટર 1 - image


Cheteshwar Pujara Career: ભારતીય ટેસ્ટ ટીમની 'નવી દિવાલ' તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જોખમમાં મુકાઈ ગયું હતું. જો કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝીના સહયોગથી તે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શક્યો હતો. પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે KKR મેનેજમેન્ટે કેવી રીતે પૂજારાને મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો હતો.

ઘૂંટણની ગંભીર ઈજા અને કરિયર પર સંકટ

પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યો છે કે, આ ઘટના 2009ની છે, જ્યારે પૂજારા હજુ ભારતીય ટીમમાં જોડાયો ન હતો અને ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેને શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને તે IPLમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર હતો.

KKRએ તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવાનું વચન પણ આપ્યું હતું. જો કે, પ્રેક્ટિસ દરમિયાન તેને ઘૂંટણની ગંભીર ઈજા થઈ, જેના કારણે તેની ક્રિકેટ કરિયર સંકટમાં મુકાઈ ગઈ. આ ઈજાને કારણે તે KKR માટે એક પણ મેચ રમ્યા વિના ક્રિકેટમાંથી કામચલાઉ વિરામ લેવા માટે મજબૂર થયો.

આ પણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયા 5મી T20 મેચમાં વરસાદ પડે તો ટીમ ઈન્ડિયાને થશે ફાયદો, જાણો કેવું રહેશે બ્રિસબેનનું હવામાન


શાહરૂખની ફ્રેન્ચાઇઝી બની દેવદૂત

પૂજારાની પત્ની પૂજાએ પુસ્તકમાં લખ્યું છે કે ઈજાના સમાચાર મળતા જ કોલકાતા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટે તરત જ જવાબદારી લીધી હતી અને પૂજારાના ઈલાજ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી. ફ્રેન્ચાઇઝીએ પૂજારાની ઈજાના તમામ ખર્ચાઓ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. KKRએ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પૂજારાની તાત્કાલિક સર્જરીની વ્યવસ્થા કરી, જે તેના માટે શ્રેષ્ઠ ગણાતી હતી.

પૂજારાના પિતાને ચિંતા હતી કારણ કે તેમની પાસે પાસપોર્ટ નહોતો અને તે ઇચ્છતા હતા કે તેમનો દીકરો રાજકોટ પાછો આવે. ત્યારે, શાહરૂખ ખાને પોતે તેમની સાથે વાત કરી અને ખાતરી આપી કે દક્ષિણ આફ્રિકા ઈલાજ માટે શ્રેષ્ઠ સ્થળ છે. ત્યારબાદ, KKR મેનેજમેન્ટે પૂજારાના પિતાના પાસપોર્ટ, વિઝા અને અન્ય તમામ પ્રવાસ સંબંધિત કાગળોની સરળતાથી વ્યવસ્થા કરી અને તેમને પૂજારા પાસે કેપટાઉન મોકલી આપ્યા.

આ ગંભીર ઈજામાંથી બહાર આવ્યા બાદ, પૂજારાએ ભારતની ટેસ્ટ ટીમમાં રાહુલ દ્રવિડનું સ્થાન સંભાળ્યું અને વર્ષો સુધી નંબર 3 પર મુખ્ય બેટ્સમેન તરીકે ટીમની 'દિવાલ' બની રહ્યો. KKRના આ સમયસરના અને ઉદાર સમર્થનથી જ પૂજારાનું કરિયર બચી શક્યું હતું.

 

Tags :