સ્ટાર ગુજરાતી સિનિયર ખેલાડીએ ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થવાની ઈચ્છા દર્શાવી, કહ્યું- જરૂર પડે તો હું તૈયાર
Cheteshwar Pujara: IPL 2025 પૂરી થયા પછી ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, અને ત્યા તેમણે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ભાગ લેવાનો છે. આ ટેસ્ટ સીરિઝ માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. પંરતુ આ પહેલા ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડી ચેતેશ્વર પૂજારાએ ખૂદ જ બીસીસીઆઈ અને ભારતીય સિલેક્ટર્સને વિનંતી કરી હતી, કે જો ટીમને તેની જરુર હોય તો તે ઈંગ્લેન્ડ પ્રવાસે જવા તૈયાર છે.
પૂજારાએ કહ્યું, હું રમવા માટે તૈયાર છું
37 વર્ષીય પૂજારાએ ભારત માટે છેલ્લી ટેસ્ટ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે ઓવલ ખાતે રમી હતી અને ત્યારથી તે ટેસ્ટ ટીમની બહાર છે. રેવસ્પોર્ટ્ઝ સાથે વાત કરતા પૂજારાએ કહ્યું કે, જો ટીમને મારી જરૂર હોય અને મને તક મળે તો હું મારા તરફથી તૈયાર છું. હું મારી ફિટનેસ પર કામ કરી રહ્યો છું અને ઘરેલુ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છું. ભારતીય ટીમમાં ઘણી પ્રતિસ્પર્ધા છે, પરંતુ ભારતે છેલ્લા 20 વર્ષથી ઇંગ્લેન્ડમાં એક પણ ટેસ્ટ સીરિઝ જીતી નથી, તેથી જો મને તક મળે તો હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગુ છું. જો મને તક મળશે તો હું તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરીશ.
આ પણ વાંચો : ભારતના પૂર્વ બોક્સરે વૈભવ સૂર્યવંશીની ઉંમર અંગે ગંભીર આક્ષેપ કર્યો? યુઝર્સ ભડક્યા
મને આ રમત ખૂબ ગમે છે: પૂજારા
ભારત માટે 103 ટેસ્ટમાં 7195 રન બનાવનાર પૂજારાએ કહ્યું કે, હવે ટીમનો ભાગ ન બનવું તેમના માટે નિરાશાજનક છે, પરંતુ ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને પ્રેરિત રાખી રહ્યો છે. તેણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ એ લેવલ પર સફળ થાય છે અને 100 થી વધુ ટેસ્ટ મેચ રમી હોય છે અને છતાં તે ટીમનો ભાગ નથી, તો તમે સખત મહેનત ચાલુ રાખો છો, જે સફળતા પ્રાપ્ત કરવાનું કારણ રહ્યું છે. તેમણે કહ્યું કે મને આ રમત ખૂબ ગમે છે અને મને જે પણ તક મળે છે, પછી તે સ્થાનિક હોય કે કાઉન્ટી ક્રિકેટ, હું તેનો પૂરો લાભ લેવાની કોશિશ કરુ છું.