ચેપ્ટર ક્લોઝ...', ધનશ્રીના આરોપો અંગે ચહલે તોડ્યું મૌન, કહ્યું - મારા નામે એનું ઘર ચાલી રહ્યું છે
Yuzvendra Chahal: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે તેની પૂર્વ પત્ની અને અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા દ્વારા તાજેતરમાં લગાવવામાં આવેલા આરોપોને લઈને પહેલી વાર ખુલ્લેઆમ જવાબ આપ્યો છે. એક રિયાલિટી શો દરમિયાન ધનશ્રીએ સંકેત આપ્યો હતો કે, લગ્નના માત્ર બે મહિના બાદ જ ચહલે તેની સાથે છેતરપિંડી કરી હતી. આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે ફક્ત 10 રન બનાવતાં જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, કોહલી-સચિન પણ ન કરી શક્યા
'મારા માટે આ ચેપ્ટર ક્લોઝ થઈ ગયું છે'
ચહલે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતાં ગુરુગ્રામ સ્થિત તેના ઘરે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું, 'હું એક સ્પોર્ટ્સપર્સન છું અને હું છેતરપિંડી કરતો નથી. જો મેં બે મહિનામાં જ છેતરપિંડી કરી હોત, તો સંબંધ 4.5 વર્ષ કેવી રીતે ચાલ્યો? મારા માટે આ ચેપ્ટર ક્લોઝ થઈ ગયું છે, અને દરેકે આગળ વધવું જોઈએ.'
'હું મારા એ ભૂતકાળમાંથી બહાર આવી ગયો છું'
હાલમાં જ ચહલે મીડિયામાં ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'અમારા લગ્ન 4.5 વર્ષ સુધી ચાલ્યા. જો શરૂઆતથી જ તેની સાથે છેતરપિંડી કરી હોત, તો કોણ આટલો લાંબો સમય સંબંધ નીભાવત...? મેં પહેલા પણ કહ્યું હતું કે, હું મારા એ ભૂતકાળમાંથી બહાર આવી ગયો છું, પરંતુ કેટલાક લોકો હજુ પણ ત્યાં જ અટકેલા છે. આજે પણ ઘણા લોકો એ વાત પકડીને બેઠા છે અને તેમના પરિવારો મારા નામ હેઠળ ચાલી રહ્યા છે. પરંતુ હવે મને તેનાથી કોઈ અસર થતી નથી. આ છેલ્લી વાર છે, જ્યારે હું મારા ભૂતકાળ વિશે વાત કરી રહ્યો છું.'
'હવે હું આ વિષય પર ફરીથી ચર્ચા નહી કરુ'
35 વર્ષીય ક્રિકેટરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, હવે તે આ વિષય પર ફરીથી ચર્ચા નહી કરે. તેણે કહ્યું, 'લોકો સોશિયલ મીડિયા પર કંઈપણ કહે છે. સેંકડો વાતો કરી રહ્યા છે, પરંતુ સચ્ચાઈ માત્ર એક જ હોય છે, અને જે લોકો મહત્ત્વપૂર્ણ છે, તેઓ તેને જાણે છે. મારા માટે આ ચેપ્ટર સંપૂર્ણપણે બંધ થઈ ગયુ છે. હું હવે મારા જીવન અને મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.
હું સિંગલ છું, ભળવા માંગતો નથી: ચહલ
પોતાની વર્તમાન સંબંધો અંગે વાત કરતાં ચહલે હસીને કહ્યું, 'હું સિંગલ છું અને મારો હમણાં ભળવાનો કોઈ ઇરાદો નથી.' ચહલ, જે પંજાબ કિંગ્સ ટીમનો ભાગ રહેલા ચહલ હવે ગેમિંગ ઉદ્યોગમાં પણ પ્રવેશ કરી રહ્યો છે.