'ત્રણેય ફોર્મેટમાં રમવું મુશ્કેલ...', ઈંગ્લેન્ડ સીરિઝ પહેલા બુમરાહના નિવેદને ચોંકાવ્યા
Bumrah's statement before the England series shocked: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડમાં યોજાનારી ટેસ્ટ સીરિઝ પહેલા ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. હવે બુમરાહે એ સ્વીકાર કર્યો કે, લાંબા સમય સુધી ત્રણેય ફોર્મેટમાં રમવું મુશ્કેલ છે અને કહ્યું કે તેણે આગળ વધુ સિલેક્ટિવ થવું પડશે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરતી વખતે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું હતું કે, બુમરાહ પાંચેય ટેસ્ટ રમવા માટે ઉપલબ્ધ નહીં હોય.
'કોઈપણ ખેલાડી માટે દરેક ફોર્મેટમાં રમતા રહેવું સરળ નથી'
એક પોડકાસ્ટમાં ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક સાથે વાતચીત કરતાં બુમરાહે કહ્યું કે, 'બિલકુલ, કોઈપણ ખેલાડી માટે દરેક ફોર્મેટમાં રમતા રહેવું સરળ નથી હોતું. હું આ કરી રહ્યો છું, પરંતુ પછી તમારા શરીરની સ્થિતિ અને કઈ ટુર્નામેન્ટને પ્રાથમિકતા આપવી તે સમજવું મહત્ત્વપૂર્ણ બની જાય છે.'
એક ક્રિકેટર તરીકે હું ક્યારેય કંઈપણ છોડવા માંગતો નથી
31 વર્ષીય બુમરાહે અત્યાર સુધીમાં 45 ટેસ્ટ, 89 વનડે અને 70 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સિવાય તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 143 આઈપીએલ મેચ પણ રમી છે. બુમરાહે વધુમાં કહ્યું કે, 'તમારે થોડું સ્માર્ટ બનવું પડશે અને તમારા શરીરનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે. એક ક્રિકેટર તરીકે હું ક્યારેય કંઈપણ છોડવા માંગતો નથી અને હંમેશા રમતા રહેવા માંગુ છું. અત્યારે હું ઠીક છું, પરંતુ હું એવો કોઈ ટારગેટ નક્કી કરતો નથી કે મારે આટલી મેચ રમવી પડે કે આટલી વિકેટ લેવી છે.’
ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ઇચ્છા
જોકે, બુમરાહે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની પોતાની ઇચ્છાને તેના માટે એક મોટી પ્રેરણા ગણાવી. 1900 પછી પહેલી વાર 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે.
આ પણ વાંચો : VIDEO : બુમરાહને સિનિયરની સલાહ ન ગમી? વીડિયો વાઈરલ થતાં MIના ફેન્સ ચિંતામાં
...તે મારા માટે એક મોટી પ્રેરણા હશે
બુમરાહએ કહ્યું કે, 'અત્યાર સુધીની સફર સારી રીતે ચાલી રહી છે. પરંતુ જ્યારે મને લાગશે કે મારો જુસ્સો ખતમ થઈ ગયો છે અથવા મારું શરીર મને સાથ આપી રહ્યું નથી, ત્યારે મારે નિર્ણય લેવો પડશે. મેં સાંભળ્યું છે કે, ઓલિમ્પિકમાં પણ ક્રિકેટ હશે, તેથી તે મારા માટે એક મોટી પ્રેરણા હશે. કોણે વિચાર્યું હશે કે ઓલિમ્પિકમાં ક્રિકેટ હશે! આ મારા માટે ખૂબ જ રોમાંચક છે. પરંતુ હું કોઈ ટારગેટ નક્કી નથી કરતો, કારણ કે જ્યારે પણ હું ટારગેટ નક્કી કરું છું, ત્યારે હું તે પૂરો કરી શકતો નથી.