Get The App

IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા બેન સ્ટોક્સનો ટીમ ઈન્ડિયાને પડકાર, કહ્યું- 'ટક્કર થઈ તો...'

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા બેન સ્ટોક્સનો ટીમ ઈન્ડિયાને પડકાર, કહ્યું- 'ટક્કર થઈ તો...' 1 - image


Ben Stokes Press Conference: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંદુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ આજે 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થશે. સીરિઝમાં જળવાઈ રહેવા ભારતીય ટીમે એડીચોટીનું જોર લગાવવુ પડશે. શુભમન ગિલની કેપ્શનશીપ હેઠળ ભારત 1-2થી પાછળ ચાલી રહી છે. બીજી બાજુ ઈંગ્લેન્ડ પણ આ સીરિઝમાં જીત મેળવવા તનતોડ પ્રયાસ કરશે. મેચ પૂર્વ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ભારતીય ટીમને પડકાર આપતા કહ્યું હતું કે, અમે મેદાનમાં કોઈપણ પ્રકારની ટક્કર વખતે પીછેહટ નહીં કરીએ. 

સ્ટોક્સની ટીમ ઈન્ડિયાને ખુલ્લો પડકાર

ઈંગ્લેન્ડના કેપ્ટને જણાવ્યું કે, અમે કોઈપણ ઘર્ષણ કે વિવાદની શરૂઆત નહીં કરીએ, પણ જો પીચ પર આ પ્રકારનો કોઈપણ બનાવ બન્યો તો અમે પીછે હટ કરીશું નહીં. આ એક મહત્ત્વની સીરિઝ છે. અમે પૂરજોશમાં રમીશું. જાણી જોઈને કોઈ વિવાદ કે ઘર્ષણ કરીશું નહીં, પણ જો આ પ્રકારની સ્થિતિ સર્જાઈ તો અમે પીછે હટ પણ કરીશું નહીં. ઈંગ્લેન્ડ સીરિઝમાં 2-1થી આગળ છે. લોર્ડ્સમાં જીત બાદ અમને એક સારો એવો બ્રેક મળ્યો છે. બે દિવસ તો મેં સંપૂર્ણપણે આરામ કર્યો હતો. આ એક સારી જીત અને સારો બ્રેક હતો. આ સપ્તાહે અમે નવી એનર્જી સાથે રમીશું.

આ પણ વાંચોઃ ચોથી ટેસ્ટમાં રિષભ પંત રમશે? ગિલે આપ્યો જવાબ, જાણો ભારતીય કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાત

લિયેમ ડૉસન પર વિશ્વાસ

ઈંગ્લેન્ડની માન્ચેસ્ટર ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શોએબ બશીર ઈજાગ્રસ્ત થતાં લેફ્ટ હેન્ડેડ સ્પિનર લિયેમ ડૉસનને સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટોક્સે ડૉસનના વખાણ કરતાં કહ્યું હતું કે, ડૉસન વાસ્તવમાં એક સારો ખેલાડી છે. તેની ટીમમાં વાપસી કરવામાં આવી છે. તે થોડો નર્વસ થઈ શકે છે, પરંતુ આવી પરિસ્થિતિઓમાંથી બહાર  આવી ઉમદા પર્ફોર્મન્સ કરવાનો તેની પાસે પર્યાપ્ત અનુભવ છે.

સ્લો ઓવર રેટ નિયમ પર પ્રશ્નો ઉઠાવાયા

લોર્ડ્સ ટેસ્ટમાં વિજય બાદ, ICC એ ઈંગ્લેન્ડની ટીમને સ્લો ઓવર રેટ બદલ મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો હતો, તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી 2 પોઇન્ટ રદ કર્યા હતાં.  ઈંગ્લેન્ડના કેપ્ટને આ અંગે કહ્યું, 'સ્લો ઓવર રેટ એવી વસ્તુ નથી જેની મને ચિંતા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે હું જાણી જોઈને વસ્તુઓ ધીમી કરું છું. પરંતુ, મને ખરેખર લાગે છે કે તેની રચના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.'

આ અંગે, સ્ટોક્સે આગળ કહ્યું, 'એશિયામાં, જ્યાં 70 ટકા ઓવર સ્પિન બોલિંગ દ્વારા કરવામાં આવે છે, ત્યાં ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સમાન નિયમો લાગુ કરી શકાતા નથી. અહીં 70-80 ટકા ઓવર ઝડપી બોલર દ્વારા ફેંકવામાં આવે છે. સ્પિનરનો ઓવર ફાસ્ટરની ઓવર કરતાં ઓછો સમય લે છે. તેથી તમારે વિવિધ બાબતોમાં ઓવર રેટના સમયમાં ફેરફાર કરવા વિચારણા કરવી જોઈએ.' બેન સ્ટોક્સે લોર્ડ્સમાં ઓલરાઉન્ડર તરીકે શાનદાર પર્ફોર્મન્સ દર્શાવ્યું હતું.  તેણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. સ્ટોક્સે બંને ઇનિંગ્સમાં 77 રન બનાવ્યા અને 5 વિકેટ લીધી હતી.

IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા બેન સ્ટોક્સનો ટીમ ઈન્ડિયાને પડકાર, કહ્યું- 'ટક્કર થઈ તો...' 2 - image

Tags :