VIDEO: ઇંગ્લેન્ડ સીરિઝ પહેલા પ્રેક્ટિસ મેચમાં ઋષભ પંતે એવી સિક્સર ફટકારી કે ગ્રાઉન્ડની છત તૂટી ગઈ
England Test Series Rishabh Pant: 20 જૂનથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝથી પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને સતત પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન ઉપ કેપ્ટન અને વિકેટકીપર બેટર ઋષભ પંતે પ્રેક્ટિસ સેશનમાં એવો શાનદાર છગ્ગો ફટકાર્યો કે કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડની છત જ તૂટી ગઈ હતી.
ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન આ ઘટના બની હતી. ભારતીય ટીમે પહેલા લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરી અને પછી કેન્ટના મેદાન પર પણ તેની તૈયારીઓને આગળ વધારી હતી. પંતે ઓફ-સ્પિનર વોશિંગ્ટન સુંદરના બોલ પર જોરદાર સ્લોગ સ્વીપ ફટકાર્યો હતો, જેના કારણે બોલ સીધો સ્ટેન્ડની છત પર જઈને પડ્યો હતો.
નોંધનીય છે કે, IPL 2025 માં પંતનું પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું નહોતું. લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતાં તેણે 13 ઇનિંગ્સમાં 269 રન બનાવ્યા હતા. જોકે, RCB સામેની છેલ્લી લીગ મેચમાં તેણે અણનમ 118 રન બનાવ્યા અને ફોર્મમાં પાછા ફરવાના સંકેતો આપ્યા.
27 વર્ષીય પંતનો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ રહ્યો
27 વર્ષીય પંતનો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. તેણે 9 ટેસ્ટમાં 556 રન બનાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પછી ભારતીય ટીમ એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહી છે, જ્યાં પંત જેવા આક્રમક બેટરની ભૂમિકા મહત્ત્વની ગણાય છે.
શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ પહોંચી છે. લોર્ડ્સમાં શરૂઆતની પ્રેક્ટિસ બાદ, ટીમે કેન્ટ ગ્રાઉન્ડ પર પણ તૈયારી કરી. 13 જૂનથી અહીં ભારત A સામે એક ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ રમાશે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (ઉપ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.