બેંગલુરુમાં વિક્ટરી પરેડ દરમિયાન નાસભાગની દુર્ઘટના બાદ BCCI મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
BCCI will Take call on Future Victory Celebrations: બુધવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા એમાં IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઐતિહાસિક જીતનો ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો. આ દુ:ખદ ઘટનાએ માત્ર ફેન્સને જ આઘાત આપ્યો નથી પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પણ આવી ઘટનાઓ માટે વધુ સારા આયોજનની જરૂરિયાત પર વિચાર કરવા મજબૂર કર્યા છે. હવે આ ઘટના પર બીસીસીઆઇના સચિવ દેવજીત સૈકિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
બેંગલુરુમાં દુર્ઘટના બાદ BCCI એક્શન મોડમાં
IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત બાદ ત્યારે બની જ્યારે લાખો ચાહકો RCB ખેલાડીઓ, ખાસ કરીને વિરાટ કોહલી અને કૅપ્ટન રજત પાટીદારને જોવા માટે સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા ત્યારે આ ઘટના બની હતી. એવામાં બીસીસીઆઇના સચિવ દેવજીત સૈકિયાએ આ ઘટનાને બોર્ડ અને IPL ફ્રેન્ચાઇઝીઓ માટે આંખ ખોલનાર ગણાવી છે. આ સાથે, તેમણે એમ પણ કહ્યું કે BCCI ભવિષ્યમાં IPL ફ્રેન્ચાઇઝીની જીતની ઉજવણી કેવી રીતે કરવામાં આવશે તે નક્કી કરશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
આ આંખ ખોલનારી ઘટના છે: દેવજીત સૈકિયા
દેવજીત સૈકિયાએ મીડિયા એજન્સી સાથે વાત કરતાં કહ્યું, 'આ આંખ ખોલનારી ઘટના છે અને આપણે વિચારવું પડશે કે આવી પરિસ્થિતિઓમાં આપણે શું કરવું જોઈએ. દર વર્ષે એક વિજેતા બનશે અને તેના વતનમાં ઉજવણી થશે. તેથી આપણે એક પાઠ શીખવો પડશે જેથી ભવિષ્યમાં આવું ન બને. હાલમાં, કોઈપણ ફ્રેન્ચાઇઝીના ખાનગી ઉજવણી પર BCCIનું કોઈ નિયંત્રણ નથી.'
આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ
દેવજીત સૈકિયાએ વધુમાં કહ્યું હતું કે, 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ લોકપ્રિયતાનો ગેરલાભ છે. લોકો તેમના ફેવરીટ ક્રિકેટરો માટે પાગલ છે. આયોજકોએ તેનું વધુ સારી રીતે આયોજન કરવું જોઈતું હતું. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. આ સ્તરના વિકટરી સેલિબ્રેશનનું આયોજન કરવા માટે પૂરતી સાવચેતી રાખવી જોઈતી હતી અને સલામતીના પગલાં ધ્યાનમાં રાખવા જોઈતા હતા. ક્યાંક ભૂલ થઈ ગઈ છે. IPLના આટલા શાનદાર અંત પછી આ દુર્ઘટનાએ તેની મજા બગાડી નાખી.'
આ પણ વાંચો: 'આ તો ભયાનક કહેવાય...' બેંગલુરુ નાસભાગની ઘટના અંગે તેંડુલકર સહિત દિગ્ગજો દુઃખી
અગાઉની ઉજવણી અંગે વાત કરતાં દેવજીત સૈકિયાએ કહ્યું કે, 'IPL વિજય ઉજવણી પહેલા પણ થઈ છે, જેમ કે ગયા વર્ષે કોલકાતામાં KKR જીત્યું ત્યારે થયું હતું, પરંતુ ત્યાં કંઈ થયું નહીં. જ્યારે અમે T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે મુંબઈમાં ભારે ભીડ હતી, પરંતુ આવું કંઈ બન્યું નહીં. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે સાથે મળીને તેને સરળતાથી પાર પાડ્યું. આશા છે કે બીજું કંઈ અનિચ્છનીય ન બને.'