ટેસ્ટ ક્રિકેટ માટે BCCIએ અલગ કોચ રાખવાની જરૂર: IPL ટીમના માલિકની માગ, જુઓ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ક્રિકેટ ટીમની 0-2ની ટેસ્ટ સીરિઝની હારથી દેશભરમાં ચર્ચા છેડાઈ ગઈ છે. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં 408 રનથી મળેલી કારમી હાર બાદ હવે ટીમના સપોર્ટ સ્ટાફ અને પસંદગી નીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે સોશિયલ મીડિયા પર BCCIને સીધો મેસેજ આપતા ટીમની તૈયારીઓ અંગે કઠોર ટિપ્પણી કરી છે.
પાર્થ જિંદાલે X પર પોસ્ટ કરી કે, 'આ હાર દર્શાવે છે કે ભારતને ટેસ્ટ ક્રિકેટ માટે એક સ્પેશિયાલિસ્ટ રેડ-બોલ કોચની જરૂર છે. ઘર આંગણે આવી હાર... મને યાદ નથી કે છેલ્લી વાર આવી નબળાઈ ક્યારે દેખાઈ હતી. જ્યારે તમે રેડ-બોલ સ્પેશિયાલિસ્ટને તક ન આપશો તો આવું જ થશે. ટીમમાં ટેસ્ટ ફોર્મેટની સાચી તાકાત દેખાઈ જ નથી રહી. હવે સમય આવી ગયો છે કે, ભારતે તાત્કાલિક ટેસ્ટ ક્રિકેટ માટે એક અલગ કોચની નિમણૂક કરવી જોઈએ.'
જિંદલની ટિપ્પણી સીધી રીતે સંકેત આપે છે કે, વર્તમાન કોચિંગ સેટઅપને લઈને IPL ફ્રેન્ચાઈઝી માલિકો પણ ચિંતિત છે.
હારની જવાબદારી બધાની છે પણ સૌથી પહેલા મારી: ગૌતમ ગંભીર
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની સીરિઝમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. કોલકાતામાં ભારતે પ્રથમ મેચ ત્રીજા દિવસે 30 રનથી હારી ગઈ હતી અને પછી ગુવાહાટીમાં બીજી મેચ 408 રનથી હારી ગઈ. ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ ભારતની સૌથી મોટી હાર છે. દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષમાં ભારતમાં પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતી છે. હવે દક્ષિણ આફ્રિકા સામે સૂપડા સાફ થઈ ગયા બાદ ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર આગળ આવ્યા છે. તેમણે કહ્યું કે, 'હારની જવાબદારી બધાની છે પણ સૌથી પહેલા મારી છે.'
આ પણ વાંચો: 'હારની જવાબદારી બધાની પણ સૌથી પહેલા..', દ.આફ્રિકા સામે પરાજય બાદ ગંભીરનું નિવેદન
હાર બાદ હેડ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કોઈ એક ખેલાડી પર આંગળી નહોતી ઉઠાવી. જોકે, તેની વાતોથી એ સ્પષ્ટ હતું કે તે કેપ્ટન રિષભ પંતના ગેલેરીને ખુશ કરનારા શોટથી ખૂબ જ નારાજ હતો. તેણે આગળ કહ્યું હતું કે, 'આપણે રેડ-બોલ ક્રિકેટમાં ઘણો સુધારો કરવાની જરૂર છે, પછી ભલે તે માનસિક હોય, ટેકનિકલી હોય કે ટીમ માટે બલિદાન આપવાની દ્રષ્ટિએવાત હોય. સૌથી અગત્યનું કે આપણે ગેલેરી માટે ન રમવું જોઈએ.'
ભારતના ટેસ્ટ ફોર્મ પર વધતા સવાલ
એક વર્ષમાં ઘરઆંગણે બીજી ટેસ્ટ સીરિઝની હારથી ભારતની તાકાત પર સવાલ ઉઠી રહ્યા છે. ગત વર્ષે ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 3-0થી હરાવ્યું હતું અને હવે દક્ષિણ આફ્રિકાએ પણ ક્લીન સ્વીપ હાંસલ કર્યું છે. આનાથી એ ચર્ચા શરૂ થઈ છે કે શું ભારતે હવે ટેસ્ટ ક્રિકેટ માટે અલગ કોચિંગ અને પસંદગી પ્રણાલી અપનાવવી જોઈએ?









