| (IMAGE - IANS) |
Andy Flower Fine: IPL 2026માં રવિવારે રમાયેલા રોમાંચક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને હરાવીને પ્લેઓફમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. જોકે, આ જીત બાદ RCBના હેડ કોચ એન્ડી ફ્લાવર વિવાદમાં ફસાયા છે અને BCCIએ તેમની સામે કડક કાર્યવાહી કરી છે.
RCBની શાનદાર જીત વચ્ચે હેડ કોચ એન્ડી ફ્લાવર પર દંડની કાર્યવાહી
રવિવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે પરાજય આપ્યો હતો. આ જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. મેચ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આચાર સંહિતાના ભંગ બદલ RCBના હેડ કોચ એન્ડી ફ્લાવર પર મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો છે. ફ્લાવરને IPL આચાર સંહિતાના લેવલ-1 હેઠળ દોષિત માનવામાં આવ્યા છે.
કેમ અમ્પાયર સાથે ભીડાયા એન્ડી ફ્લાવર?
મેચ દરમિયાન એક વિવાદાસ્પદ નિર્ણયને લઈને એન્ડી ફ્લાવર ચોથા અમ્પાયર સાથે ઉગ્ર દલીલો કરતા જોવા મળ્યા હતા. RCBની બેટિંગના 18મા ઓવરમાં જ્યારે કૃણાલ પંડ્યાએ શોટ માર્યો ત્યારે બાઉન્ડ્રી લાઇન પર મુંબઈના ફિલ્ડરો કેચ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા. રીપ્લેમાં છગ્ગો ન આપવાના નિર્ણયથી ફ્લાવર નારાજ થયા હતા અને અમ્પાયર સાથે ઝગડો કર્યો હતો. બાદમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી લેતા મેચ રેફરી અમિત શર્માએ આ સજા જાહેર કરી હતી.
ભુવનેશ્વર કુમારનો ઓલરાઉન્ડ દેખાવ અને રોમાંચક ફિનિશિંગ
આ મુકાબલો છેલ્લી ઘડી સુધી રોમાંચક રહ્યો હતો. અંતિમ ઓવરમાં RCBને જીતવા માટે 9 રનની જરૂર હતી, ત્યારે બોલર ભુવનેશ્વર કુમારે શાનદાર છગ્ગો ફટકારીને મેચ પલટી નાખી હતી. છેલ્લી બોલ પર બે રન લઈને બેટર્સે ટીમને જીત અપાવી હતી. ભુવનેશ્વર કુમારે માત્ર બેટિંગ જ નહીં પણ બોલિંગમાં પણ કમાલ કરતા 4 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો અને તે હાલમાં પર્પલ કેપની રેસમાં પણ સૌથી આગળ છે.
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે કેપ્ટન હાર્દિક પંડ્યા? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી અટકળો તેજ
મુંબઈ ઈન્ડિયન્સનો સફર સમાપ્ત, RCBની દાવેદારી મજબૂત
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સીઝન અત્યંત નિરાશાજનક રહી છે. આ હાર સાથે જ ટીમ હવે સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 11 મેચોમાં 14 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી છે. એન્ડી ફ્લાવર પર લાગેલા દંડ છતાં, ટીમનું મનોબળ અત્યારે સાતમા આસમાને છે અને તેઓ પ્લેઓફમાં ટ્રોફી જીતવા માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે.


