BCCI એ IPL 2026 માટે મિની ઓક્શનની તારીખ-વેન્યૂ જાહેર કર્યું, ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ!

IPL 2026 Auction Date: IPL 2026ની સિઝન માટે ખેલાડીઓના રિટેન્શનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આગામી મિની ઓક્શનની તારીખ અને વેન્યૂની સત્તાવાર જાહેરાત કરી છે. BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IPL 2026ની હરાજી 16મી ડિસેમ્બર, 2025ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે.
77 સ્લોટ માટે 237.55 કરોડ રૂપિયનું સંયુક્ત પર્સ
IPLની 10 ફ્રેન્ચાઇઝીઓએ 15મી નવેમ્બર, 2025ના રોજ રિટેન્શન વિન્ડો બંધ થતાં તેના ખેલાડીઓની યાદી સુપરત કરી હતી. જેમાં 10 ટીમોએ મળીને કુલ 173 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં 49 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આગામી હરાજી માટે ટીમો પાસે ભરવા માટે ફક્ત 77 સ્લોટ બાકી છે. તમામ ટીમોનું સંયુક્ત પર્સ 237.55 કરોડ રૂપિયા છે.
દરેક ટીમને વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખવાની મંજૂરી હોવાથી, પંજાબ કિંગ્સે સૌથી વધુ 21 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સે 20-20 ખેલાડીઓ રિટેન કર્યા છે.
આ પણ વાંચો: રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, તમામ ટીમના રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી
KKR પાસે સૌથી વધુ રકમ, CSK પણ મજબૂત સ્થિતિમાં
આગામી હરાજીમાં સૌથી વધુ રકમ સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પ્રવેશ કરશે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પાસે 64.3 કરોડ રૂપિયાની સૌથી મોટી રકમ છે. KKRએ વેંકટેશ ઐયર અને આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓને રિલીઝ કર્યાં છે, જેના કારણે તેનું પર્સ મોટું થયું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પાસે ઉપલબ્ધ નવ જગ્યાઓ ભરવા માટે બીજા ક્રમે સૌથી વધુ 43.4 કરોડ રૂપિયા ઉપલબ્ધ હશે.
અબુ ધાબીમાં યોજાનારી આ મિની ઓક્શનમાં ટીમો તેમની બાકીની ખાલી જગ્યાઓ ભરવા માટે વ્યૂહાત્મક રીતે ખેલાડીઓ પર બોલી લગાવશે.

