BCCI India Squad vs NZ 2026 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 26 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામેની બાકીની બે T20 મેચ માટે ભારતની ટીમની જાહેરાત કરી હતી. તેમણે તિલક વર્માની ફિટનેસ અંગે પણ અપડેટ આપ્યું હતું. બોર્ડે જણાવ્યું હતું કે, તિલક હાલ ટીમમાં પરત નહીં ફરે અને શ્રેયસ ઐયર તેમનું સ્થાન લેશે. મીડિયા રિપોર્ટ્સમાં વોશિંગ્ટન સુંદર અંગે પણ આવી જ અપડેટ જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વોશિંગ્ટન સુંદર સીરિઝની બાકીની બે મેચ રમી નહીં શકે.
તિલક વર્મા T20 સીરિઝમાં નહીં રમે
BCCIએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતીય બેટ્સમેન તિલક વર્માએ ફિઝિકલ ટ્રેનિંગ ફરી શરૂ કરી છે. BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેમનું પુનર્વસન ઝડપથી આગળ વધી રહ્યું છે. જોકે, તેમને સંપૂર્ણ મેચ ફિટનેસ મેળવવામાં વધુ સમય લાગશે. તેઓ વર્તમાન પાંચ મેચની T20 સીરિઝની અંતિમ બે મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તિલક વર્મા સંપૂર્ણ મેચ ફિટનેસ મેળવ્યા પછી 3 ફેબ્રુઆરીએ મુંબઈમાં ટીમ સાથે જોડાશે. જે ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતના વોર્મ-અપ મેચો પહેલા થશે."
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રેયસ અય્યર ટીમમાં રહેશે. સિલેક્શન કમિટીએ ભલામણ કરી છે કે શ્રેયસ અય્યર બાકીની મેચ માટે તિલક વર્માના સ્થાને રમશે.
ભારતની T20I ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશન(વિકેટકીપર), રવિ બિશ્નોઈ.
વોશિંગ્ટન સુંદર ન્યૂઝીલેન્ડ સામે T20 સીરિઝની છેલ્લી બે મેચ નહીં રમી શકે. વોશિંગ્ટનને પૂર્ણ ફિટનેસ મેળવવામાં સમય લાગશે. રિપોર્ટ મુજબ, તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં બેથી વધુ અઠવાડિયા લાગશે. મેડિકલ સ્ટાફે તેને બે અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. વોશિંગ્ટનને ટીમમાં સામેલ કરવો કે નહીં તેને લઈને સિનિયર સિલેક્શન કમિટી અને ટીમ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: ભારત સામે હારવાનો ડર? બાંગ્લાદેશના બહાને ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનો નવો ડ્રામા
વોશિંગ્ટન સુંદર માટે એક મોટી તક
T20 વર્લ્ડ કપ પહેલા ભારત બે પ્રેક્ટિસ મેચ રમાશે. ત્યાં સુધીમાં સુંદરની ફિટનેસમાં સુધારો થવાની શક્યતા ઓછી છે. મેનેજમેન્ટે રવિ બિશ્નોઈને બેકઅપ ખેલાડી તરીકે રાખ્યો છે. સુંદરને ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં પીઠની ઈજા થઈ હતી. તેમ છતાં તે બેટિંગ કરવા આવ્યો હતો. તેની ઈજા ગંભીર બની અને તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. આ વર્લ્ડ કપ વોશિંગ્ટન માટે મહત્ત્વપૂર્ણ છે. 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, વોશિંગ્ટન 2021 અને 2022 માં ઈજાઓને કારણે બે T20 વર્લ્ડ કપ ચૂકી ગયો હતો.


