Pakistan Plans to Boycott High-Voltage Match Against India : ICCએ ટી20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સતત બાંગ્લાદેશના સમર્થનમાં ICCને ધમકી આપી રહ્યું છે. એવામાં પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાન ભારત સાથેની મેચોનો બૉયકોટ કરી શકે છે. નોંધનીય છે કે બાંગ્લાદેશે ટી20 વર્લ્ડકપ માટે ભારત આવવાનો ઈનકાર કર્યો હતો જે બાદ ICCએ બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કર્યું છે.
પાકિસ્તાન ભારત સામેની મેચનો બહિષ્કાર કરે તેવી શક્યતા
શરૂઆતમાં પાકિસ્તાન તરફથી એવી આડકતરી ધમકીઓ આપવામાં આવી હતી કે બાંગ્લાદેશ નહીં રમે તો અમે પણ ટુર્નામેન્ટ નહીં રમીએ. જોકે જો પાકિસ્તાન સમગ્ર ટુર્નામેન્ટનો જ બહિષ્કાર કરે તો ICC કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે. એવામાં હવે પાકિસ્તાન સરકાર તથા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ એવી ચર્ચા ચાલી રહી છે કે ટુર્નામેન્ટમાં ભારત સિવાયની જ મેચોમાં રમીએ.
જો પાકિસ્તાન ભારત સાથેની મેચનો બહિષ્કાર કરે તો તેને બે પોઈન્ટનું નુકસાન થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવીએ કહ્યું છે કે અમે પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ સાથે ચર્ચા વિચારણા બાદ નિર્ણયની જાહેરાત કરીશું.
ભારત સાથે પંગો લેવામાં બાંગ્લાદેશ 'ક્લીન બોલ્ડ', સ્કોટલેન્ડને મળી 'ફ્રી હિટ'
ICCએ ટી20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશને બહાર કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં ન રમવાની જીદે ચઢેલા બાંગ્લાદેશને બદલે હવે સ્કોટલેન્ડ ટુર્નામેન્ટ રમશે. સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. ICCએ બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના આ અંગે પત્ર પણ લખ્યો છે. બાંગ્લાદેશની હકાલપટ્ટી બાદ હવે સ્કોટલેન્ડની ગ્રુપ-Cમાં એન્ટ્રી થઈ છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી સામેલ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ સપ્તાહથી ICC અને બાંગ્લાદેશ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બાંગ્લાદેશની જીદ હતી કે તેમની ટીમ ભારત નહીં આવે અને તેમની મેચો પાકિસ્તાનની જેમ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. જોકે ICCએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ટુર્નામેન્ટમાં રહેવું હોય તો ભારત આવીને જ રમવું પડશે. ICC બોર્ડની મીટિંગમાં પણ 14-2થી બાંગ્લાદેશની મેચો ભારતમાં જ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે બાંગ્લાદેશનો દાવો હતો કે ભારતમાં તેમના ખેલાડીની સુરક્ષાનો ખતરો રહેશે.
બાંગ્લાદેશે ભારત સાથે કેમ પંગો લીધો હતો?
બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ગમે તે ભોગે તેમની ટીમ ભારત તો નહીં જ આવે. નોંધનીય છે કે બાંગ્લાદેશ ભારત સાથે પંગો લઈ રહ્યું છે તે વિવાદનું મૂળ IPL સાથે જોડાયેલું છે. હાલમાં જ IPLમાંથી બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારથી જ બાંગ્લાદેશ રોષે ભરાયેલું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાના કારણે IPLમાં બાંગ્લાદેશી ખેલાડીનો વિરોધ થયો હતો. ભારે આક્રોશ અને વિરોધના કારણે તેને IPLમાંથી રીલીઝ કરવામાં આવ્યો હતો.


