'રાષ્ટ્રના સન્માન અને સુરક્ષાના ભોગે નથી રમવું...', T20 વર્લ્ડ કપ અંગે બાંગ્લાદેશનું અક્કડ વલણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup Row: ભારતમાં યોજાનારા આગામી T20 વર્લ્ડ કપને લઈને રમતજગતમાં ખળભળાટ મચી ગયો છે. બાંગ્લાદેશ સરકારે ભારતમાં પ્રસ્તાવિત આ મેગા ઇવેન્ટમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર અને મંત્રી આસિફ નજરુલે રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મસન્માનનો હવાલો આપીને આ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો સંકેત આપ્યો છે.
ખેલાડીઓની સુરક્ષા પર સવાલ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ડિરેક્ટરો સાથેની બેઠક બાદ આસિફ નજરુલે મીડિયાને જણાવ્યું હતું કે, 'વર્તમાન સંજોગોમાં ભારતમાં રમવું ખેલાડીઓ અને દેશના ગૌરવ માટે જોખમી છે. અમે ક્રિકેટ પ્રેમી રાષ્ટ્ર છીએ અને વર્લ્ડ કપ રમવા ઈચ્છીએ છીએ, પરંતુ ખેલાડીઓ, દર્શકો અને પત્રકારોની સુરક્ષાના ભોગે નહીં. રાષ્ટ્રની ગરિમા સાથે અમે કોઈ સમાધાન કરી શકીએ નહીં. અમને લાગે છે કે ભારતમાં સર્જાયેલી સુરક્ષાની ગંભીર સ્થિતિને ICC યોગ્ય રીતે સમજી શક્યું નથી.'
આ પણ વાંચો: IND vs NZ: શ્રેયસ અય્યરની ફિટનેસ પર આવી મોટી અપડેટ, જાણો પહેલી વનડેમાં રમશે કે નહીં?
BCCI અને સુરક્ષાનો મુદ્દો
આસિફ નજરુલે દાવો કર્યો છે કે 'ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્વીકાર્યું છે કે તેઓ બાંગ્લાદેશી ખેલાડીઓને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થ છે. આ પરિસ્થિતિને કારણે બાંગ્લાદેશી ટીમમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે.'
વિવાદનું મુખ્ય કારણ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ સંબંધો વણસવા પાછળ કેટલાક મહત્ત્વના કારણો જવાબદાર છે. જેમાં બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ સામે થઈ રહેલી હિંસાને કારણે ભારતમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થો ઊભા થયા છે. તાજેતરમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી સ્ટાર બોલર મુસ્તફિઝુર રહેમાનને રીલીઝ કરવામાં આવ્યો, જેને પણ આ વિવાદના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. ભારતમાં વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશી ટીમનો વિરોધ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
બાંગ્લાદેશના આ કડક વલણ બાદ હવે બોલ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના કોર્ટમાં છે. જો બાંગ્લાદેશ ખરેખર પીછેહઠ કરે છે, તો વર્લ્ડ કપના શિડ્યુલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંબંધો પર તેની દૂરગામી અસરો પડી શકે છે. રમતગમત વિશ્લેષકો માની રહ્યા છે કે જો સુરક્ષા અંગે ખાતરી નહીં મળે તો અન્ય દેશોના વલણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.








